પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે આવેલા રામદેવપીર મહારાજના મંદિર અલખધામમાં ધાડપાડુઓએ સેવકને બંધક બનાવી લૂંટ (Robbery) ચલાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ધાડપાડુઓ મંદિરની બે દાન પેટી તોડી અંદરથી રોકડા રૂપિયા સહિત કુલ 58 હજારની મત્તા ચોરી કરી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા એલ.સી.બી. (LCB) અને એસ.ઓ.જીની (SOG) ટીમ સ્થળ પર પહોંચી હતી.
- મંદિર પરિસરમાં તાપણું કરી રહેલો સેવકને લાકડાં અને પાવડાના સપાટા મારી ખેતરમાં ખેંચી ગયા
- રામદેવપીર મહારાજના મંદિરની બે દાનપેટીમાંથી રોકડ અને અભુષણ મળી 58 હજારની લૂંટ કરી ભાગી ગયા
- લૂંટ સમયે રસોઈયા રમેશ ચુનીલાલ માલી બચાવ માટે રૂમમાં જતા જ લૂંટારુઓએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો
શનિવારે રાત્રે બારડોલી નજીક પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે રાત્રીના 1.30 વાગ્યાની આસપાસ પાંચથી સાત ધાડપાડુઓ પાછલાં દરવાજેથી અંદર ઘુસ્યા હતા અને મંદિર પરિસરમાં તાપણું કરી રહેલો સેવક તેજશ રાજેશ પટેલ (રહે. ડોલવણ, જી. તાપી)ને લાકડાં અને પાવડાના સપાટા મારી ખેતરમાં ખેંચી ગયા હતા. જ્યાં બે શખ્સોએ તેને બંધક બનાવ્યા બાદ બાકીના શખ્સોએ લૂંટ ચલાવી હતી. લૂંટ સમયે રસોઈયા રમેશ ચુનીલાલ માલી બચાવ માટે રૂમમાં જતા જ લૂંટારુઓએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો.
આ ઉપરાંત અન્ય સેવકોના રૂમના દરવાજા પણ બહારથી બંધ કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટારુઓ નાસી છૂટ્યા બાદ ગંભીર રીતે ઇજા પામેલ તેજશ ખેતરમાંથી મંદિર પરિસરમાં આવ્યો હતો અને રૂમના દરવાજા ખોલ્યા હતા. રમેશ રસોઈયાએ ફોન કરી મંદિરના સંચાલક યોગેશ્વર લક્ષ્મીચંદ શાહને જાણ કરી હતી. તેમણે પોલીસને જાણ કરતા જ પલસાણા ઉપરાંત સુરત જિલ્લા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમ આવી પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
લક્ષ્મીચંદ બાપુની સમાધિ મંદિરમાંથી મૂર્તિ પરની સોનાની રુદ્રાક્ષ માળા,સવા કિલો ચાંદીનું છત્ર લૂંટી લીધું
મંદિર પરિસરમાં આવેલી લક્ષ્મીચંદ બાપુની સમાધિ મંદિરમાં તેમની મૂર્તિને પહેરાવેલા સોનાની રુદ્રાક્ષ માળા કિંમત રૂ 25 હજાર અને સવા કિલોનું ચાંદીનું છત્ર કિંમત રૂ. 20 હજારની ચોરી તેમજ સમાધિ મંદિર અને શિવાલયની દાન પેટી તોડી અંદરથી રોકડ રૂપિયા 8 હજાર મળી કુલ રૂ. 58 હજારની ચોરી કરી નાસી છૂટ્યા હતા.