વરાછા રોડ પર આ કંપનીના નામનું પાટીયું મારી ચાલતો હતો હવાલાનો ખેલ, મુંબઈ ઈડીએ દરોડા પાડ્યા – Gujaratmitra Daily Newspaper

SURAT

વરાછા રોડ પર આ કંપનીના નામનું પાટીયું મારી ચાલતો હતો હવાલાનો ખેલ, મુંબઈ ઈડીએ દરોડા પાડ્યા

સુરત : ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ (ED), મુંબઈ ઝોનલ ઑફિસ દ્વારા તા.31/07/2024 ના રોજ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ મુંબઈ, સુરત અને દિલ્હીમાં વિવિધ સ્થળોએ તપાસના ભાગરૂપે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

  • સનરાઈઝ એશિયન લિમિટેડ કંપનીનાં શેરના ભાવમાં હેરાફેરીનો મામલો
  • હીરાના રૂપમાં જંગમ મિલકતો, બેંક ભંડોળ, ડીમેટ એકાઉન્ટને હોલ્ટ કરાયા
  • રોકાણકારોને નવડાવી કૌભાંડીઓએ કરોડો રૂપિયા સુરત, મુંબઈના હીરા વેપારીઓના ખાતાઓમાં શિફ્ટ કર્યા હોવાનો ઘટસ્ફોટ

આઇસવર્થ રિયાલિટી એલએલપી અને કંપનીઓને ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન હીરાના રૂપમાં જંગમ મિલકતો, બેંક ભંડોળ, ડીમેટ એકાઉન્ટ હોલ્ડિંગ અને આશરે રૂ. 38.57 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે અને વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે.

EDએ સેબી એક્ટ 1992ની વિવિધ કલમો હેઠળની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં મેસર્સ આઈસવર્થ રિયાલિટી એલએલપી અને અન્ય આરોપી વ્યક્તિઓએ એકમોની મિલીભગત દ્વારા સનરાઈઝ એશિયન લિમિટેડ (એસએએલ) ના સ્ક્રીપના શેરના ભાવમાં હેરાફેરી કરવામાં આવી હતી.

આ કૌભાંડમાં અનેક આંતરિક રીતે જોડાયેલ જૂથ એન્ટિટીઓ સાથે, જેનાથી બોનાફાઇડ રોકાણકારોના ખર્ચે ગેરકાનૂની નફો થાય છે. વધુમાં, તપાસના સમયગાળા દરમિયાન સ્ક્રીપના ભાવમાં જોવા મળેલા વધારાનો કંપનીના વાસ્તવિક નાણાંકીય પ્રદર્શન સાથે તાળો મળતો ન હતો. ડેટા મિસમેચ થતા હતા અને તે ફક્ત જૂથની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી હેરફેરને કારણે હતો.

વરાછારોડ પર આઇસવર્થ રિયાલિટી કંપનીનું પાટિયું મારી હવાલાનાં નાણાં ફેરવવામાં આવતાં હતા
સનરાઈઝ એશિયન લિમિટેડ (એસએએલ) ના સ્ક્રીપના શેરના ભાવમાં કરવામાં આવેલી હેરાફેરીથી ઉભા કરેલા કરોડો રૂપિયા પ્રમોટર્સ દ્વારા સુરત, મુંબઈના હીરા વેપારીઓના બેંક એકાઉન્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. સુરતના વરાછારોડ પર આઇસવર્થ રિયાલિટી એલએલપી. કંપનીનું પાટિયું મારી હવાલાનાં નાણાં ફેરવવામાં આવતાં હતાં.

એલએલપી અને કંપનીઓને ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન, હીરાના રૂપમાં અને રોકડ નાણાં મળી આવ્યા હતાં. ED તપાસમાં બહાર આવ્યું છે કે, ઘણી સંસ્થાઓ અને વ્યક્તિઓએ સનરાઈઝ એશિયન લિમિટેડ (SAL) ના સ્ક્રીપના ભાવમાં હેરાફેરી કરીને મોટો નફો મેળવ્યો હતો જ્યારે વાસ્તવિક રોકાણકારોને નુકસાન પહોંચાડ્યું હતું.

આ રીતે મેળવેલ ગેરકાયદેસર નફો વિવિધ એકમો અને વ્યક્તિઓના ખાતામાં જુદા જુદા રૂટ દ્વારા મોકલવામાં આવ્યા હતા તથા હવાલા કૌભાંડ થકી વિદેશ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેમાંના કેટલાક સુરત અને મુંબઈના હીરાના વેપારના વ્યવસાયમાં સંકળાયેલા લોકો છે. આમ, કરોડો રૂપિયા જુદા જુદા વ્યક્તિઓ અને સંસ્થાનના ખાતામાં શિફ્ટ કરવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ (ED) આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

Most Popular

To Top