બીલીમોરા : ગણદેવી તાલુકા સહિત બીલીમોરા શહેરમાં નવસારી જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ હિન્દુ અને મુસલમાન ધર્મના 34 ધર્મ સ્થળોના દબાણ હટાવવા બીજી વખત નોટિસ આપવાનું શરૂ કરાતા ફફડાટ મચી જવા પામ્યો છે. તમામ દબાણો દિન 15 મા દબાણમુક્ત કરવાનું પણ નોટિસમાં જણાવતાં આ અતિસંવેદનશીલ હિન્દુ મંદિરો અને મુસ્લિમોની દરગાહની જગ્યાઓનો ઉપસ્થિત થયેલો પ્રશ્ન મોટો વિવાદ ઉભો કરશે.
- ગણદેવી તાલુકામાં ધાર્મિક સ્થળો હટાવવા બીજી વારની નોટિસથી ફફડાટ
- દબાણો 15 દિવસમાં દબાણમુક્ત કરવાની નોટિસ મળતા અતિસંવેદનશીલ જગ્યાઓનો મોટો વિવાદ ઉભો કરશે
નવસારી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ગણદેવી તાલુકામાં આવેલા 34 જેટલા ધાર્મિક સ્થળોના દબાણોને દૂર કરવા માટે હિન્દુ મુસ્લિમ ધર્મ સ્થળોના સંચાલકોને બીજી વખત નોટિસ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તેમની પાસે જો આ ધાર્મિક સ્થળોના માલિકીનો પુરાવો હોય તો રજૂ કરવા નહીંતર સ્વેચ્છાપૂર્વક દબાણો દૂર કરીને જગ્યા ખાલી કરવી. જો તેમ નહીં કરવામાં આવશે તો કાયદેસર કાર્યવહી કરવામાં આવશે. આ મુદ્દો એવી રીતે આવ્યો છે કે, વર્ષ 2006 માં સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન (નં.8519/2006) મુજબ જાહેર સ્થળો ઉપરના ધાર્મિક દબાણો અંગેની માહિતી મંગાવવામાં આવી હતી. જેમાં ગણદેવી તાલુકા સહીત બીલીમોરામાં હિન્દુ મંદિર, દરગાહ મળીને કુલ 34 ધાર્મિક સ્થળો દબાણો હેઠળ ગણવામાં આવ્યા હતા. જેને દૂર કરવા નોટિસો તબક્કાવાર આપવાની શરુવાત કરવામાં આવી છે.
બીલીમોરાના ધાર્મિક સ્થળો
જળદેવી માતા મંદિર (પીર સ્ટ્રીટ), જલારામ મંદિર હોલ (પાલિકા નજીક), હઝરત ગેબન શાહ બાવા ની દરગાહ (ટાટા સ્કૂલ કંપાઉન્ડ), કાલી માતા મંદિર (બાંગીયા ફળીયા), મોહંમદ હનીફ બાવા દરગાહ (દેસરા), હનુમાન મંદિર (જ્યુબિલિ તળાવ), હાજી સુલતાન શાહીદ બાવાની દરગાહ, ચંડીકા માતા મંદિર, (બંને ઉપલો કુંભારવાડ), ચોસઠ જોગણી માં મંદિર (અમલસાડ રોડ), ભાથીજી મહારાજ અને શીતળા માતા મંદિર (બીલી હરીજનવાસ), નારણકાકા મંદિર (જ્યુબિલિ તળાવ), મેલડી માતા મંદિર (નવી નગરી ગાયકવાડ મિલ ચાલ), અંબાજી માતા મંદિર (માંદલ ફળીયા), ગાયત્રી મંદિર (એમજી રોડ), હનુમાનજી મંદિર (બંબાખાના ની બાજુમાં), મામદેવ મંદિર(નવાપુરા પોલીસ પાછળ), ફુલદેવી માં મંદિર (ચોકી ફળીયા) જળદેવી માં મંદિર (બંદર રોડ), ભવાની માં મંદિર (દેસરા જુના કુંભાર વાડ), મામદેવ મંદિર (દેસરા ભાઠા ફળીયા) જય કોરા માં મંદિર (દેસરા કોળીવાડ)
ગણદેવીના ધાર્મિક સ્થળો
જય અંબે માતા મંદિર અને હનુમાનજી મંદિર (કેનિંગ ફેક્ટરી સામે), બાપા સીતારામ મંદિર (તોરણગામ હરીજનવાસ), રાતનશા માતા મંદિર (નીછા ભગતનું મેદાન) અંબા માતા મંદિર (પશુ દવાખાનાની સામે) દરગાહ (પાણીની ટાંકી પાસે), માતાજી મંદિર (બાલવાડી, પાણીની ટાંકી), અંબા માતા મંદિર (માછીવાડ ગણદેવી), ચંડીકા માતાજી મંદિર (બજાર ચોતરા), મહાકાળી મંદિર સાંસ્કૃતિક હોલ (માસા), દરગાહ (ધમડાછા માર્ગ મકાન માર્જિન રોડ), મંદિર (ઉંડાચ), મંદિર (ધનોરી) નો સમાવેશ થાય છે.
માલિકીના પુરાવા દિન 15 મા રજુ કરવા
ગણદેવી અને બીલીમોરાના કુલ 34 મંદિર, દરગાહ પૈકી 15 ને નોટિસો આપી દેવામાં આવી છે. જ્યારે બાકીના 19 મંદિર, દરગાહને તબક્કાવાર નોટિસો આપવામાં આવશે. આમ તમામ મંદિર અને દરગાહએ પોતાની માલિકીના પુરાવા દિન 15 મા રજુ કરવા બીજીવાર નોટિસ આપવામાં આવતા આ અતિ સંવેદનશીલ મુદ્દાએ ગણદેવી બીલીમોરામાં ભારે ઉત્તજના જગાવી છે.