ઉમરગામ : સંજાણ ભીલાડ રોડ પર વંકાસમાં બેફામ બનેલા ટ્રક ચાલકે ટક્કર મારતા ગાય, બળદ, વાછરડા મળી આઠ ગૌવંશના મોત નિપજ્યા હતા, જ્યારે બે બળદ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ગુરુવારે ઉમરગામ તાલુકાના ભીલાડ સંજાણ રોડ ઉપર મહાકાલ કાશીપુરા આશ્રમની સામે ખાડીના પુલિયા પાસે વંકાસમાં રાત્રિના સમયે કોઇ અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રોડ ઉપર બેસેલા રખડતા આઠ ગૌવંશ પર ટ્રક ચડાવી દેતા ચાર નાની મોટી ગાય, બે બળદ, એક વાછરડા મળી કુલ આઠ ગૌવંશના સ્થળ ઉપર જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે બે બળદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેની જાણ થતા જ ઉમરગામ પોલીસ તથા ગૌરક્ષકો સ્થળ પર દોડી ગયા હતા અને ઘાયલ બંને બળદોને અગ્નિવીર એમ્બ્યુલન્સમાં સોળસુંબાના જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ પીડાગ્રસ્ત ગૌશાળા ખાતે રવાના કરવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રમેશભાઈ ભરવાડે આપતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.