Entertainment

શું અરિજિત સિંહ બિમાર છે?, તેની પોસ્ટ જોઈ ફેન્સ ચિંતામાં મુકાયા, યુકેનો શો પણ કેન્સલ થયો

મુંબઈઃ બોલિવૂડ સિંગર અરિજિત સિંહની ફેન ફોલોઈંગ એક અલગ લેવલની છે, તે દુનિયામાં જ્યાં પણ પરફોર્મ કરે છે ત્યાં તેના ફેન્સ મોટી સંખ્યામાં ભેગા થાય છે. અરિજિત ટૂંક સમયમાં યુકેમાં તેનો પ્રવાસ શરૂ કરવા જઈ રહ્યો હતો, પરંતુ હવે તેના ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

અરિજીત સિંહે 11મી ઓગસ્ટથી શરૂ થનારી તેની યુકે ટૂરનો શો મોકૂફ રાખ્યો છે. મેડિકલ સ્થિતિને તેના નિર્ણયનું કારણ ગણાવીને તેણે આ માટે ચાહકોની માફી પણ માંગી હતી.

અરિજિતે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ મુકી પોતાની યુકેની ટુર મુલતવી રાખી હોવાની જાહેરાત કરી છે. તેણે પોસ્ટમાં લખ્યું છે, ‘પ્રિય ચાહકો, મને એ જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અચાનક મેડિકલ પરિસ્થિતિના કારણે મને ઓગસ્ટ કોન્સર્ટ મૌકૂફ રાખવાની ફરજ પડી છે. હું જાણું છું કે તમે આ શોની કેટલી ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા અને હું તમને નિરાશ કરવા બદલ માફી માંગુ છું.

અરિજિતે તેની પોસ્ટમાં એ સ્પષ્ટતા કરી નથી કે તેની ‘તબીબી સ્થિતિ’ શું છે. પરંતુ તેણે આગળ લખ્યું, ‘તમારો પ્રેમ અને સમર્થન મારી તાકાત છે. ચાલો આ બ્રેકને વધુ જાદુઈ પુનઃમિલનના વચનમાં ફેરવીએ.

આ સાથે અરિજીતના કોન્સર્ટની નવી તારીખો જાહેર થઈ છે. તે અનુસાર આગામી તા. 15 સપ્ટેમ્બર (લંડન), 16 સપ્ટેમ્બર (બર્મિંગહામ), 19 સપ્ટેમ્બર (રોટરડેમ) અને 22 સપ્ટેમ્બર (માન્ચેસ્ટર)માં કોન્સર્ટ થશે. અગાઉના સમયપત્રક મુજબ ખરીદેલી ટિકિટો જ માન્ય રહેશે. પોતાની પોસ્ટના અંતે અરિજિતે લખ્યું, ‘તમારી સમજણ, ધૈર્ય અને ક્યારેય ન સમાપ્ત થતા પ્રેમ માટે આભાર. હું તમારા બધા સાથે અવિસ્મરણીય યાદો બનાવવા માટે આતુર છું. દિલથી ક્ષમાયાચના અને ખૂબ આભાર સાથે, અરિજિત સિંહ.

ચાહકોએ અરિજિત માટે પ્રાર્થના કરી
અરિજિતની પોસ્ટ પર તેના ચાહકોએ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. ઘણા ચાહકોએ તેને જલ્દી સાજા થવા લખ્યું હતું. એક યુઝરે લખ્યું, તમે જલ્દી સાજા થઈ જાવ. અમે બધા 11 થી તમારા કોન્સર્ટ માટે ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ તેમ છતાં તમારું સ્વાસ્થ્ય અમારા માટે વધુ મહત્વપૂર્ણ છે.

અમે દરેક ક્ષણે, દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં તમારી સાથે છીએ. અરિજિત 11 ઓગસ્ટે માન્ચેસ્ટરના કો-ઓપ લાઈવ એરેનાથી યુકે પ્રવાસ શરૂ કરવાનો હતો. આ સ્થળે પરફોર્મ કરનાર તે પ્રથમ દક્ષિણ એશિયાઈ કલાકાર બનવા જઈ રહ્યો હતો.

Most Popular

To Top