Vadodara

નડિયાદમાં સીટી બસ દોડાવવાની ઉમળકાભેર જાહેરાત બાદ ટેન્ડરીંગના 4 પ્રયાસ નિષ્ફળ…

નબળી નેતાગીરી અને વહીવટી અણઆવડતના કારણે શહેરીજનોનું વર્ષોનું સ્વપ્ન અધૂરૂ..

નડિયાદ શહેરમાં છેલ્લા લાંબા વર્ષોથી બંધ થયેલી સીટી બસ દોડાવવા માટે સ્થાનિક નેતાગીરીએ નગરજનોને આપેલુ વચન હજુ સુધી પુરુ થયુ નથી. નગરપાલિકાએ ચાર-ચાર વખત ટેન્ડરીંગ પ્રક્રિયા કરી અને તે નિષ્ફળ રહી છે. જેથી હવે પાંચમી વખત ટેન્ડરીંગ પ્રક્રિયા કરવા માટે પાલિકાએ જાહેરાત બહાર પાડી છે. જો કે, ચાર વખત આ પ્રોજેક્ટનો સૂરસુરીયુ થતાં નડિયાદની નેતાગીરી નબળી હોય અને વહીવટી અણઆવડત જવાબદાર હોવાની તિખળ થઈ રહી છે.

નડિયાદ શહેરમાં છેલ્લા લાંબા વર્ષોથી પરિવહન માટે સિટી બસ સેવા ઉપલબ્ધ નથી‌. જેના કારણે નગરજનોને અને આસપાસના નજીકના ગામડાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ન છુટકે ખાનગી શટલમાં આવવુ જવુ પડે છે જોકે અગાઉ કોરોના કાળ પહેલા અને એ પછી અવારનવાર પાલિકાએ શહેરમાં સિટી બસ દોડાવવા પ્રયાસો કર્યા છે. જેમાં ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી હતી. પરંતુ કોઈના કોઈ કારણોસર આ ટેન્ડર પ્રક્રિયા અડધેથી રદ થઈ જાય છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમા પાલિકાએ આ મામલે વર્ક ઓર્ડર પણ ખાનગી એજન્સીને સોંપી દીધો હતો. ખાનગી એજન્સીએ તે સમયે સૌપ્રથમ 4 બસથી સુવિધા શરૂ કરશે અને મિનીમમ ભાડુ 7 રૂપિયા તેમજ મેક્સીમમ ભાડુ 15 રૂપિયા નક્કી કર્યું હતું. વર્ક ઓર્ડરમા આ બસ 5 વર્ષ સુધી નિભાવવા ઉલ્લેખ હતો. પરંતુ લાંબા માસ સુધી આ સુવિધા ચાલુ થઈ નહોતી. વચ્ચે લોકસભાની ચૂંટણી અને એ બાદ પણ આજદિન સુધી આ સુવિધા નડિયાદ નગરજનોને મળી નથી. જોકે પાલિકા વિભાગે અગાઉ આપેલ વર્ક ઓર્ડર એકાએક રદ કરી પાંચમા પ્રયત્ને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં જણાવાયું છે કે, નડિયાદ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અંતર્ગત નડિયાદ શહેરમાં 5 વર્ષ સીટી બસ ચલાવવાની અને નિભાવવાની કામગીરી માટે અનુભવી અને સરકાર તેમજ અન્ય શ્રેણીમાં આવતા ઈજારદાર પાસેથી ટેન્ડરથી ભાવો મંગાવવામાં આવે છે. ત્યારે નડિયાદ નગરમાં સીટી બસનુ સ્વપ્ન ફરી એક વખત રોળાઈ ગયું છે.

એજન્સીએ કામ શરૂ ન કરતા નવેસરથી ટેન્ડરીંગ પ્રક્રિયાઃ ચીફ ઓફીસર

આ બાબતે ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડે જણાવ્યું હતુ કે, અગાઉ આપણે જેને વર્ક ઓર્ડર આપેલો હતો તે એજન્સીએ કામ ચાલુ ન કરતા આ વર્ક ઓર્ડરને રદ કરી દીધો છે અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. અગાઉ પણ ત્રણ વખત આ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે પણ કોઈ એજન્સી રસ દાખવતી નહોતી. હાલ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top