SURAT

શ્રાવણ માસના દર સોમવારે કતલખાના બંધ રાખવા સુરત પાલિકાનો આદેશ

સુરતઃ આગામી તા. 5 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં ભક્તો શિવની ઉપાસના કરતા હોય છે. શ્રાવણ મહિનાના સોમવારે ભક્તો ઉપવાસ રાખતા હોય છે, ત્યારે ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને ઠેસ ના પહોંચે તે ઈરાદે સુરત મહાનગર પાલિકા દ્વારા શ્રાવણ માસના દર સોમવારે કતલખાના બંધ રાખવાનો આદેશ કર્યો છે.

  • સુરત મનપાની સ્થાયી સમિતિએ 5, 12, 19, 26 ઓગસ્ટ અને 2 સપ્ટેમ્બર એમ 5 સોમવાર કતલખાના બંધ રાખવા આદેશ કર્યો, આ ઉપરાંત 26 ઓગસ્ટને જન્માષ્ટમીના દિવસે પણ કતલખાના બંધ રખાશે

આગામી દિવસોમાં હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા પણ લોકોની લાગણીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના દરેક સોમવારે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે.

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ વર્ષ 2014 થી શ્રાવણ મહિનાના દરેક સોમવારે પાલિકા સંચાલિત કતલખાના બંધ કરવા માટેનો ઠરાવ કર્યો છે. આ ઠરાવને આધારે આ વર્ષે પણ શ્રાવણ માસના દર સોમવારે એટલે કે 5 ઓગષ્ટ, 12 ઓગષ્ટ, 19 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ તથા 2 સપ્ટેમ્બર એમ શ્રાવણ મહિનાના પાંચ સોમવારે પાલિકા સંચાલિત કતલખાના બંધ રહેશે.

આ ઉપરાંત 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર છે તે દિવસે પણ પાલિકા સંચાલિત કતલખાના બંધ રાખવા માટે જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામા આવી છે. આ સાથે પાલિકાએ એવી પણ જાહેરાત કરી છે કે, પાલિકા દ્વારા આપવામાં આવેલી સૂચનાનો ભંગ જે લોકો દ્વારા કરવામાં આવશે તેની સામે બીપીએમસી એક્ટ અને બોમ્બે પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top