સુરત: (Surat) શહેરમાં શનિવારે વહેલી સવારે ભારે ધુમ્મસ (Fog) છવાયો હતો. જેના કારણે વાહનચલાકોને લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેમ છતાં વિઝીબિલીટી ઓછી હોવાના કારણે થોડે દૂર સુધી પણ ન જોઈ શકાતા વાહનો ધીમા ચલાવવાની ફરજ પડી હતી. શહેરીજનોએ આજે વહેલી સવારે માત્ર ૧૦૦ મીટર વિઝીબીલીટી (Visibility) સાથે ગાઢ ધુમ્મસમાં જાણે વાદળની વચ્ચે જ ઉભા હોય તેવી અનુભૂતિ કરી હતી. આ તરફ ટ્રેન અને હવાઈ માર્ગને પણ અસર પહોંચી હતી. સુરત આવતી અને જતી ફ્લાઈટોને રદ્દ કરવાની સાથે સમયમાં પણ ફેરફાર કરાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીઓ સર્જાય હતી. વાહન ચલાવવા માટે ૧૫૦ મીટર વિઝિબિલિટી હોવી જરૂરી હોય છે. જ્યારે શનિવારે શહેરમાં માત્ર ૧૦ મીટરની વિઝિબિલિટી હતી. જેને કારણે વાહનચાલકોને વાહન હાંકવામાં ભારે મુશ્કેલી પડી હતી. બીજી તરફ એકાએક ગાઢ ધુમ્મસ છવાતા શહેરીજનોએ ફૂલગુલાબી ઠંડીની મજા માણી હતી. સવારે ધુમ્મસને કારણે શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ પણ જોવા મળ્યો હતો.
શહેરમાં શનિવારે મહતમ તાપમાનનો પારો બે ડિગ્રી ગગડીને 16.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાન આંશિક ઘટાડા સાથે 30.08 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં દિવસભર પાંચ કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફૂંકાતા આગામી 24 કલાકમાં રાતના તાપમાનમાં આંશિક ઘટાડો થાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ રીતે ધુમ્મસ સર્જાય છે
ખુલ્લી હવામાં પાણીનું સતત બાષ્પીભવન થતું હોય છે. પાણીના અણુઓ વરાળ બનીને હવામાં ભળતાં હોય છે, જેનું પ્રમાણ ઉષ્ણતામાન અને હવામાં રહેલા ભેજ પર આધાર રાખે છે. રાત્રી દરમ્યાન ઉષ્ણતામાન નીચું જવાને કારણે આ પ્રક્રિયા મંદ પડે છે અને હવામાં પાણીના ઝીણાં ફોરાં એકત્રિત થાય છે, જે સવારે વાતાવરણને ધુંધળું બનાવે છે. અને ક્યારેક ગાઢ તો ક્યારેક હળવો ધુમ્મસ સર્જાય છે.
કઈ ફ્લાઈટ રદ્દ થઈ કઈ મોડી પડી?
- એર ઇન્ડિયા દિલ્હીથી સવારે ઉપડેલ ફલાઇટ સુરત એરપોર્ટ પર 4 ચક્કર લગાવ્યા પણ વિઝીબિલીટી ઓછી હોવાને કારણે લેન્ડ ન થઈ શકતા અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. ત્યારબાદ ત્યાંથી પછી 11.05 કલાકે સુરત આવી હતી. જ્યારે આ ફ્લાઈટનો રેગ્યુલર સુરત આવવાનો સમય 7.50 વાગ્યાનો છે.
- દિલ્હીમા ધુમ્મસને કારણે ઇન્ડિગો દિલ્હી-સુરત ફલાઇટ 8.25 વાગ્યે આવે છે તે 11.49 એ સુરત આવી હતી અને સ્પાઈસ જેટની દિલ્હી સુરત ફલાઇટ 8.35 આવે છે તે 12.16 મિનિટ પર બપોરે પહોંચી હતી.
- ઇન્ડિગોની કોલકત્તા સુરત ફલાઇટ પણ ધુમ્મસને કારણે 9.50 ની જગ્યાએ 10.26 વાગ્યે સુરત પહોંચી હતી.