Entertainment

શું કહે છે ‘રાશી’ ભવિષ્ય?

એતો બહુ સ્ષ્પટ છે કે વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદી આવ્યા પછી એવી ફિલ્મો ઘણી બની જે હિન્દુત્વ અને ભાજપ જે રાષ્ટ્રીય મુદ્દા ઉઠાવવા માંગતું હોય તેવા વિષયો ધરાવતી હોય. આ અઠવાડિયે ધ સાબરમતી રિપોર્ટ રજૂ થવાની ધારણા છે. ધારણા એટલા માટે કે તે આ પહેલા રજૂ થવાની હતી પણ વિવાદી વિષયને કારણે અટકાવી દેવાયેલી. 22 વર્ષ પહેલા ગોધરા સ્ટેશને ટ્રેનના ડબાને આગ લગાડાયેલી અને 59 લોકોને જીવતા ભુંજી નખાયેલા. આ આઘાતજનક બનાવ પછી ગુજરાતમાં મોટા રમખાણો ફાટી નીકળેલા. રજૂ થઇ રહેલી ફિલ્મમાં કેવી ગરમી છે તે તો ખબર નથી પણ આ ફિલ્મમાં વિક્રાંત મેસ્સી ગોધરાકાંડની તપાસ કરનાર પત્રકાર બન્યો છે. 12મી ફેલથી વિક્રાંત ચર્ચામાં છે સાબરમતી રિપોર્ટ તો સ્વયં ફિલ્મ તરીકે ચર્ચામાં છે તો આ વખતે વિક્રાંત કેવી અપેક્ષા રાખશે. જોકે સાબરમતી રિપોર્ટના રિપોર્ટ સારા આવે તેની રાહ વિક્રાંતથી વધુ રાશી ખન્ના જોઇ રહી છે. તે તેલુગુ ફિલ્મોની અભિનેત્રી તરીકે ઘણી સફળ છે કારણ કે તેલુગુમાં તેની 19 ફિલ્મો રજૂ થઇ છે જ્યારે હિન્દીમાં મદ્રાસ કાફે અને યોધ્ધા જ છે. હા, તે બે વેબસિરીઝમાં આવી હતી પણ હિન્દી ફિલ્મો તેના ભાગે બહુ આવતી નથી. અત્યારે પણ તેની પાસે તેલુગુ, તમિલ ફિલ્મો જ વધારે છે. રાશીને તમિલ-તેલગુ ફિલ્મો સામે વાંધો નથી પણ તેને સતત થાય છે કે હિન્દીમાં હું કેમ સફળ થતી નથી. તેનો સવાલ ખોટો પણ નથી કારણ કે શુજીત સરકારની મદ્રાસ કાફેથી તેની કારકિર્દીની શરૂઆત થઇ હતી. બન્યુ એવુ કે તેને એજ વખતે નાગ શૌર્ય સાથે તેલુગુ ફિલ્મ મળી અને ત્યાં ત્યાર પછી સતત ફિલ્મો મળતી ગઇ એટલે તે હિન્દી તરફ પાછી વળી જ ન શકી. હવે તે ફરી અપેક્ષા રાખે છે કે બોલિવુડ તેના નામનો જાદુ થાય. મૂળ દિલ્હીની આ પંજાબી એકટ્રેસ હિન્દીમાં પોતાના નામને મોટું કરવા માંગતી હોય તો ધ સાબરમતી રિપોર્ટ જેવી ફિલ્મથી થઇ શકશે ખરુ. આ એક વિચારોત્તજકને ચર્ચાસ્પદ ફિલ્મ હોય તો રાશીને મર્યાદિત લાભ જ થશે. આ ફિલ્મ વિષયને વધુ મહત્ત્વ આપે છે તો રાશી માટે વધુ જગ્યા હશે ખરી? રાશી ખન્ના અગાઉ ઘણીવાર કહી ચુકી છે કે હું યોગ્ય પટકથાની રાહ જોઉ છું. જોકે આવું બધા કહેતા હોય છે પણ પટકથા પસંદગીનો અધિકાર તેને જ મળતો હોય છે જે ખૂબ સફળ હોય અને નિર્માતા તેની પાછળ પડતા હોય. જ્યારે કોઇ પાછળ ન પડે ત્યારે મળે તે ફિલ્મ સ્વીકારી લેવાની હોય છે. રાશી અત્યારે એ સ્થિતિમાં જ છે. સાઉથમાં તે ફિલ્મો અને પટકથા પસંદ કરી શકતી હશે હિન્દીમાં તો મળે તો ફિલ્મ સ્વીકારવી પડે છે. •

Most Popular

To Top