અત્યાર સુધીમાં અનેક તારણો પરથી સ્પષ્ટ છે કે મોટી ગુનાહિત પ્રવૃત્તિ કે જેમાં તંત્રની જરૂર પડતી હોય તેના પોલીસ અને રાજનેતાઓની સામેલગીરી હોય છે. ગુજરાતમાં દારુબંધીને નિષ્ફળ બનાવનારામાં પોલીસ અને રાજનેતા જ છે. કચ્છના બનાવમાં પોલીસ સ્વયં બુટલેગર સાથે હતી તે છેલ્લું ઉદાહરણ છે. ડ્રગ્સ બાબતે ગુજરાત સૌથી વધુ બનાવો અત્યારના ગૃહમંત્રીના સમયે જ બન્યા છે પણ તેઓ જાહેર મંચ પર બોલે ત્યારે એવી ડાયલોગબાજી કરે કે જાણે ડાયલોગબાજીથી જ તેમનું મંત્રાલય ચાલતું હોય અને ડ્રગ્સ માફિયા કાબૂમાં આવી જતા હોય. હિન્દુ યુવા વાહિની સુરતના વિકાસ આહિર ડ્રગ્સ બાબતે સપડાયા પછી રાજકોટમાંથી ભાજપના આગેવાનના પુત્ર હવે ઝડપાયા છે. ગૃહમંત્રી પહેલાં તેમના મંત્રીઓ, વિધાનસભ્યો અને ભાજપના નેતાઓ પર વોચ રાખે. રાજય સરકારની ઇમેજ તો પાણીમાં ગઇ જ છે. હવે ભાજપની પક્ષ તરીકે પણ સાખ ટકે એમ લાગતું નથી. ભાજપને આટલાં વર્ષોથી ગુજરાતમાં સત્તા સોંપી છે તો આ દશા?
ઉધના – અમરત મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગંદકી કરવાની ટેવથી હવે તો છૂટો
આદતવશ ગૃહિણીઓ આજે પણ એંઠવાડની પોટલીનો ઘા કરે છે. શેરી અને સોસાયટીના નાકા પર છારૂ, ઝાડપાનનાં ડાળખાં, પ્લાયવુડનો ભંગાર ઈત્યાદિના ઢગલા થાય છે. બહુ મોટો ઢગલો થાય ત્યારે જ ઉંચકાય છે. ગાય, ભેંસ અને કૂતરાં અને કાગળ વિણવા આવા ઢગલા ફેંદી રસ્તા સુધી વિખરાય છે. ચોમાસામાં મેલેરિયાનું ઘર દવાખાનાં ઉભરાય છે.ખાસ કરીને દરેક બસ સ્ટેન્ડની પાછળ આજુબાજુવાળા દુકાનદારો કાયમી ધોરણે કચરો ઠાલવે છે જે કદી એસએમસીની નજરે પડતો નથી, જેમાં કોહવાટ પેદા થાય છે.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સોનું સસ્તું થાય તેથી શું, શાકભાજી, અનાજ સસ્તા થવાં જોઈએ
નિર્મલા સીતારામનના બજેટથી સોનાના ભાવ ગગડયા છે તે સારું છે, પણ જે લોકો શાકભાજી નથી ખરીદી શકતા, અનાજ નથી ખરીદી શકતા તે સોનું ખરીદશે? દેશમાં ખાદ્ય સામગ્રીના ભાવ નીચા આવે તે પ્રથમ જરૂરિયાત છે. સોનાને શું કરવું છે? સોનું કાંઇ દૈનંદિન જરૂરિયાતમાં નથી આવતું. તેઓ સામાન્ય માણસના ખિસ્સાનો વિચાર કરી શકતાં નથી અને છતાં વડા પ્રધાન પોતાની સરકારના બજેટની વાહવાહી કરવામાંથી ઊંચા નથી આવતા.
એ. કે. રોડ, સુરત – અમિત પાંજરોલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.