સુરતઃ શહેરમાં ગુનાખોરીએ હદ વટાવી છે. રવિવારે રાત્રે યુ ટ્યૂબના પત્રકારને લબરમૂછિયા ટપોરીઓએ રહેંસી નાંખ્યો હતો, તે ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં તો આજે દિનદહાડે શહેરના સગરામપુરા વિસ્તારમાં સરાજાહેર બિલ્ડરની હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે.
- બિલ્ડર આરીફ કુરેશીની સગરામપુરા તલાવડીમાં હત્યા
- હુમલાખોરોએ પાછળથી હુમલો કર્યા બાદ ઉપરાછાપરી ઘા મારી જાહેરમાં હત્યા કરી
- પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી
પ્રાપ્ત માહિતી અનુસાર આજે શહેરના સગરામપુરા વિસ્તારમાં તલાવડી ખાતે દિનદહાડે જાહેરમાં 55 વર્ષીય બિલ્ડર આરીફ કુરેશની હત્યા થઈ છે. હુમલાખોરોએ સળીયાથી મારી આરીફ કુરેશીની કરપીણ હત્યા કરી છે. જૂના ઝઘડાની અદાવતમાં બિલ્ડર આરીફની હત્યા થઈ હોવાની ચર્ચા છે.
હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં દહેશત વ્યાપી ગઈ હતી. મસ્જિદની નજીક જ બિલ્ડરની હત્યા થતા માહોલ તંગ બન્યો હતો. બિલ્ડરના મિત્રો, પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. રસ્તા પર લોહીનું ખાબોચિયું ઉભરાયું હતું. કોઈકે બિલ્ડરની લાશને ઢાંકી હતી. પોલીસે પહોંચી લાશનો કબ્જો લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળ્યા મુજબ બેથી ત્રણ જેટલાં હુમલાખોરો બાઈક પર આવ્યા હતા. તેઓએ પાછળથી સળિયા વડે બિલ્ડર પર હુમલો કરી દીધો હતો. ઉપરાછાપરી બિલ્ડરને સળીયા, લાકડાના ફટકા મારી હત્યા કરી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં અઠવા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી છે.
પોલીસ અધિકારીઓએ કહ્યું કે, 55 વર્ષીય બિલ્ડર આરીફ કુરેશીની હત્યા થઈ છે. તેઓ મસ્જિદમાં નમાઝ પઢવા આવ્યા હતા. નમાઝ પઢીને પરત જઈ રહ્યાં હતા ત્યારે બે હુમલાખોરોએ હુમલો કર્યો હતો. એક યુવકે પાછળથી બિલ્ડરના માથામાં રોડથી હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યાં છે. બંને આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે. હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.