National

વાયનાડમાં 3 જગ્યાએ ભૂસ્ખલન, 125 ના મોત, આખેઆખા ગામો વહી ગયા, કેરળમાં 2 દિવસનો રાજકીય શોક

કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. અત્યાર સુધીમાં 125 લોકોના મોત થયા છે. 128 હોસ્પિટલમાં છે, જ્યારે 400 થી વધુ લોકો ગુમ છે. રાત્રે 1 થી સવારે 6 વાગ્યાની વચ્ચે થયેલા ભૂસ્ખલનમાં ચાર ગામો પાણીમાં વહી ગયા હતા. મુંડક્કઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝામાં મકાનો, પુલ, રસ્તાઓ અને વાહનો વહી ગયા છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. આ દુર્ઘટના બાદ કેરળ સરકારે રાજ્યમાં બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.

કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની છે જેમાં કાટમાળ નીચે દબાઈ જવાથી 125 લોકોના મોત થયા છે જ્યારે 128 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ઘટનામાં મોટાપાયે નુકશાન થવાની આશંકા છે. વાયનાડના મેપ્પાડી, મુબદક્કઈ અને ચુરલ મલા પહાડીઓમાં ભૂસ્ખલન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ મુબદક્કાઈમાં પ્રથમ ભૂસ્ખલન થયું હતું. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ બચાવ માટે ઘટનાસ્થળે હાજર છે. સ્થાનિક ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. ટીમને વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્યારબાદ ચુરલ મલા ખાતે સવારે 4 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. તે સમયે બચાવ કામગીરી ચાલી રહી હતી. એક શાળા કે જે શિબિર તરીકે સેવા આપતી હતી, એક ઘર, એક શાળા બસ આ બધું જ પૂર અને કાદવ અને પાણીથી ભરાઈ ગયું હતું. અહેવાલો અનુસાર, ચુરલ મલા શહેરમાં પુલ તૂટી પડતાં 400 થી વધુ પરિવારો ફસાયેલા છે. ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે અને ઘણા ઘરો ધોવાઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે હાલ નુકસાનનું આંકલન કરી શકાતું નથી.

મુંડક્કાઈ ગામમાં સૌથી વધુ નુકસાન, 250 લોકો અહીં ફસાયા
ભૂસ્ખલનને કારણે વાયનાડનું મુંડક્કાઈ ગામ સૌથી વધુ પ્રભાવિત થયું છે. રેસ્ક્યુ ટીમ હજુ સુધી અહીં પહોંચી શકી નથી. NDRFની એક ટીમ પગપાળા અહીં પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. મુંડકાઈમાં લગભગ 250 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે. અહીં અનેક મકાનો ધોવાઈ ગયા છે. અહીં 65 પરિવારો રહેતા હતા. નજીકના ટી એસ્ટેટના 35 કર્મચારીઓ પણ ગુમ છે.

સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં વ્યસ્ત
કેરળ સરકાર એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી પી વિજયને કહ્યું કે તમામ સરકારી એજન્સીઓને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્થિતિ વધુ વણસી શકે છે. ઘટનાની જાણ થતાં સરકારી તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી છે. કેટલાક મંત્રીઓ વાયનાડ પહોંચશે અને પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરશે. ભારતીય નૌકાદળની ટીમ બચાવ કામગીરીમાં મદદ કરશે. કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સની બે ટીમ ટૂંક સમયમાં બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી જશે. વાયુસેનાના બે હેલિકોપ્ટર સાંજે સાડા સાત વાગ્યે સુલુરથી ઉડાન ભરશે.

ભારે વરસાદની ચેતવણી
દરમિયાન હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન કેરળના મલપ્પુરમ અને કન્નુર જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી છે. તેણે આગામી ત્રણ કલાક દરમિયાન કેરળના કોલ્લમ, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, થ્રિસુર અને મલપ્પુરમ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

Most Popular

To Top