રાજ્ય સરકારના વહીવટી પાંખના અંગત સચિવની નિમણૂંક વિપક્ષી નેતાના કાર્યાલય માટે કરવા અંગે રાજ્ય સરકાર પક્ષપાતી વલણ અપનાવે છે તેવો આક્ષેપ કરતો પત્ર વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો છે. વિપક્ષ નેતા માટે ખાલી પડેલી અંગત સચિવની નિમણૂકની કાર્યવાહી ઝડપી નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવની ચેમ્બર બહાર ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ચીમકી પરેશ ધાનાણીએ ઉચ્ચારી છે.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્ર લખીને આક્ષેપ કરે છે કે કોંગ્રેસના વિપક્ષી નેતાના અંગત સચિવની જગ્યા ઉપર એચ.જે.પારેખ કે જેઓ નિવૃત ડેપ્યુટી કંટ્રોલર છે અને ગત 31 જાન્યુઆરી 2020ના રોજ તેઓ નિવૃત્ત થયા હતા. જેમની નિમણૂંક વિપક્ષ નેતાના અંગત સચિવ તરીકે કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તે જગ્યાએ મંજૂર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાડા ચાર મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાંય વિપક્ષ નેતાના કાર્યાલય માટે અંગત સચિવની નિમણૂકની ખાલી જગ્યા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી નથી. એટલું જ નહીં આ માટેની કાર્યવાહી પણ કરવામાં નહીં આવતી હોવાનો આક્ષેપ વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે.
પરેશ ધાનાણીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિભાગોમાં અને મંત્રીઓના અંગત સચિવ તરીકે તેમના માનીતા અધિકારીઓને નિમણૂંકની કાર્યવાહી એક સપ્તાહ કરતા ઓછા સમયમાં પૂરી કરી દેવામાં આવે છે, એટલું જ નહીં આ નિમણૂકોમાં 7 જુલાઇ 2016 ના પરિપત્રનું ઉલ્લંઘન કરીને 62 વર્ષના બદલે 79 વર્ષ સુધી પહોંચેલા અધિકારીઓની નિમણુંક પણ કરવામાં આવતી હોવાનો આક્ષેપ પરેશ ધાનાણીએ કર્યો છે. આ તબક્કે પરેશ ધાનાણીએ નિવૃત્ત થયેલા સરકારના અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની વિગતો પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ધ્યાન દોર્યું છે. જેમાં વર્ષ 2013માં વય નિવૃત થઈ ચૂકેલા સનદી અધિકારી અને 68 વર્ષના કૈલાસનાથનના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિવૃત્ત અન્ય આઈએએસ અધિકારી બી.એન.નવલાવાલા , જે.બી.મોઢા, પરીમલ શાહ, અરવિંદ જોશી, મહેશ જોશી, ડી.એમ.પટેલ, સી.જે.ગોઠી, અશોક માણેક, એમ.કે.જાદવ, એસ.એસ.રાઠોડ અને વિજય બધેકા ના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ તમામ આઈએએસ અને ઉચ્ચ અધિકારી કક્ષાના નિવૃત્ત થયેલા આ અધિકારીઓ સરકારમાં મુખ્યમંત્રીના સલાહકાર થી માંડીને મુખ્યમંત્રીના સંયુક્ત સચિવ, અગ્ર સચિવ, સચિવ તેમજ અલગ અલગ પ્રોજેક્ટ માં સેવાઓ આપી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારના 12 જેટલા ઉચ્ચ અધિકારીઓની વય 69 થી 79 સુધીની થવાનું ઉલ્લેખ કરે છે.