Columns

જીવનમાં જરૂરી

ડાઈમન્ડ બિઝનેસમાં સફળ સમીર ઓફીસથી થાકીને ઘરે આવ્યો. બહુ કામ રહેતું હતું.રાત્રે જમી લીધા પછી અમેરિકાથી ભણીને આવેલા દીકરા વંશે કહ્યું, ‘પપ્પા, તમે કામનો ભાર ઓછો કરો. મને સોંપી દો. હું તમે કહેશો તેમ કરીશ.મહેનત કરીશ. તમે મને સમજાવતાં રહેજો.’ સમીર દીકરાની સમજદારી અને જવાબદારી લેવાની તૈયારી જોઇને ખુશ થયો. તે બોલ્યો, ‘વંશ, તારા પપ્પા હજી થાક્યા નથી પણ તું શીખવા તૈયાર છે તો ચલ, આજથી જ તારી તૈયારી શરૂ કરીએ.’ વંશ ખુશ થઇ ગયો.

બોલ્યો, ‘પપ્પા, તમે જે કહેશો તે હું રેકોર્ડ કરી લઈશ, જેથી ફરી ફરી સાંભળી શકું.’ સમીરે કહ્યું, ‘દીકરા, હું કોઈ વિદ્વાન નથી પણ જીવનના અનુભવોએ જે શીખવ્યું છે તે તને સમજાવીશ.સૌથી પહેલાં આજે તને એવી વાત કરું છું જે માત્ર બિઝનેસમાં નહિ, જીવનમાં પણ તને કામ લાગશે.જીવનમાં આગળ વધવા માટે જરૂરી છે. પસંદગી …તક …પરિવર્તન આ વસ્તુઓ બરાબર કરીએ. યોગ્ય સમયે આગળ વધીએ તો જીવનમાં સફળ થઈ શકીએ.’ વંશ બોલ્યો, ‘તમે કહો છો કે ચોઇઝ ,ચાન્સ અને ચેન્જ આપણા જીવનની સફળતા માટે જરૂરી છે.’ સ

મીર હસ્યો અને બોલ્યો, ‘હા, તારા અંગ્રેજીમાં ચોઇઝ ,ચાન્સ અને ચેન્જ …જીવનમાં જયારે કોઇ પણ પસંદગી કરવાની આવે ત્યારે બરાબર સમજી વિચારી, શાંત મનથી દરેક પાસાનો અભ્યાસ કરીને પછી નિર્ણય લેવો.પછી છે તક.બધા જ કહે છે કે જે મળે તે તક ઝડપી લેવી જોઈએ. સાચી વાત છે. તક વારંવાર નથી મળતી પણ તક મળે ત્યારે ત્વરિત નિર્ણય લઈને જે મહેનત કરે તેના જીવનમાં અચૂક બદલાવ આવે છે.

વંશ બોલ્યો, ‘પપ્પા, જીવનમાં બદલાવ એટલે ચેન્જ ખરું ને?’ સમીર બોલ્યો, ‘હા, જીવનમાં પ્રગતિ માટે પરિવર્તન જરૂરી છે.જો તમે બદલાવ એટલે કે ચેન્જને સ્વીકારશો નહિ તો જીવનમાં આગળ નહિ વધી શકો.જીવનમાં દરેક સંજોગો અને પરિસ્થિતિ અને સમય સતત બદલાયા કરે છે. આપણે આ બદલાતી પરિસ્થિતઓ સાથે સમતોલન જાળવવું પડે છે.જે સમય સાથે બદલાય છે તે જ આગળ વધે છે.જીવનમાં સુખી રહેવા કે બિઝનેસમાં સફળ થવા જરૂરી છે કે આપને યોગ્ય પસંદગી કરવી.તક મળે તે લેવી અને જે પરિવર્તન આવે તે સ્વીકારી, શીખી, જાતમાં બદલાવ લાવી આગળ વધવું.’ સમીરે પહેલા જ દિવસે દીકરાને સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top