Comments

યુરોપના પ્રવાસન પર નભતા દેશો માટે આવનાર સમય પડકારજનક બની રહેશે

યુરોપમાં મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનું મહત્ત્વનું યોગદાન છે. સ્ટેટિસ્ટા અનુસાર, ૨૦૨૨માં ઇટાલીના જીડીપીમાં પ્રવાસનનો હિસ્સો ૧૦.૨ ટકા હતો. આ ક્ષેત્ર લગભગ ૪૪ લાખ લોકોને રોજગારી આપે છે, જે કુલ રોજગારના લગભગ ૧૬ ટકા છે. ઇટાલી એક જાળમાં ફસાઈ રહ્યું છે: તેના અર્થતંત્રમાં પ્રવાસનનું મોટું યોગદાન છે, પરંતુ ખાસ કરીને કોવિડ પછી પ્રવાસીઓના પ્રવાહને નિયંત્રિત કરવામાં તેને મુશ્કેલી આવી રહી છે. ગયા વર્ષે ૬ કરોડ પ્રવાસીઓ ઈટાલી આવ્યા, જેનાથી સ્વાભાવિક રીતે જ અર્થવ્યવસ્થાને મોટો ફાયદો તો થયો પરંતુ ઈટાલીમાં પ્રવાસીઓ વધતી સંખ્યા સામે તેમને સેવા પૂરી પાડવા માટે પૂરતા માણસો જ નથી. ઇટાલિયન એસોસિએશન ઓફ એમ્પ્લોયમેન્ટ એજન્સીઝ અનુસાર હોટેલ અને બીચ સેક્ટરમાં સ્ટાફની અછત છે. માર્ચેમાં રસોઇયા અને વેઇટરની અછત છે. સાર્દિનિયામાં, લગભગ ૨૫૦૦૦ મોસમી કામદારોની જરૂર છે. ઈટાલીમાં પ્રવાસીઓનો ધસારો એટલો છે કે કોઈ હોટેલ કે રેસ્ટોરાંમાં આરક્ષણ મેળવવું તો મુશ્કેલ છે જ: ત્યાં પહોંચવા માટે ટેક્સી મળવી પણ મુશ્કેલ છે.

કોઈ પણ દેશ એવું ઈચ્છે કે તેને ત્યાં પ્રવાસીઓનો ભારે ધસારો રહે. પરંતુ ઈટાલીમાં તાજેતરનાં વર્ષોમાં મુલાકાતીઓનો ધસારો એટલો વધી ગયો છે કે ઇટાલિયન સત્તાવાળાઓએ સદીઓ જૂની ઇમારતોને નુકસાન ન થાય તે માટે પગલાં લેવાં પડ્યાં છે. દા.ત. દિવસે વેનિસમાં પ્રવેશવા માટે પાંચ યુરો ચાર્જ દાખલ કરવામાં આવ્યો છે. મિલાનમાં આવેલું દા વિન્સીનું પ્રખ્યાત પેઇન્ટિંગ ‘લાસ્ટ સપર’ જોવા માટેની ટિકિટો અઠવાડિયા અગાઉથી વેચાઈ જાય છે. આ પેઈન્ટિંગને થતું નુકસાન ટાળવા માટે એક સમયે મુલાકાતીઓની મહત્તમ સંખ્યા અને સમય મર્યાદિત કરી દેવામાં આવ્યો છે.

ઈટાલીના કેટલા સ્થળે પ્રવાસીઓનું ઘોડાપૂર છે તો કેટલાંક સ્થળો નાછૂટકે પ્રવાસીઓ માટે બંધ કરવાં પડે એમ છે. ઈટાલીનું સિસિલી પ્રવાસીઓનું માનીતું સ્થળ છે. અહીં આ વર્ષે ઉનાળામાં એટલો તીવ્ર દુષ્કાળ પડ્યો કે અહીંનાં સરોવરો સુકાઈ ગયાં છે, જેના કારણે પાણીની તંગી ઊભી થઈ છે. પ્રવાસીઓથી ધમધમતું આ શહેર આ કારણે પ્રવાસીઓને નકારી રહ્યું છે. શહેરમાં ભૂગર્ભ જળાશયો સુકાઈ ગયાં છે જેના કારણે ૧૦ લાખની સ્થાનિક વસતીને પાણીના વપરાશમાં ૪૫ ટકા જેટલો ઘટાડો કરવાની ફરજ પડી છે. આજની સમસ્યા ૨૦ વર્ષથી ચાલી રહેલી નિષ્ફળ જળ વ્યવસ્થાપન નીતિનું પરિણામ છે. પ્રવાસન આ પ્રદેશની અર્થવ્યવસ્થા માટે મુખ્ય ચાલક રહ્યું છે પરંતુ પાણીની અછતને કારણે એમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે.

જળવાયુ પરિવર્તન એક સર્વગ્રાહી ઘટના છે. ઇટાલીના વિભિન્ન પ્રદેશો તેની અલગ અલગ અસર જોવા મળે છે. સિસિલી અને સારડિનીયામાં આ અસર વધુ છે. સિસિલીમાં ૨૦૨૧માં રેકોર્ડબ્રેક ગરમી પડી હતી. પાણીની તંગી આ વિસ્તારમાં થતી ઓલિવ અને સિટ્રસ ફળોની ખેતીને અસર કરી છે, જેના કારણે સ્થાનિક અર્થતંત્રને નુકસાન પહોંચ્યું છે. ઇટાલી જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે તેનાં આર્થિક પરિણામો આપણી સામે છે. આગળ પરિસ્થિતિ વધુ ભયાનક બની શકે છે. જી૨૦ના અહેવાલ મુજબ, દુષ્કાળની તીવ્રતા ૨૦૫૦ સુધીમાં ૩૫ ટકા વધી શકે છે. પરિણામે જીડીપીમાં ૩.૭ ટકા નુકસાન થઈ શકે છે.

સમગ્ર યુરોપમાં ઇટાલી જેવી પરિસ્થિતિ છે. નેક્સોસ જેવા ગ્રીક ટાપુઓનાં જળાશયો પણ સુકાઈ રહ્યાં છે, જેથી સિંચાઈ મુશ્કેલ બની રહી છે અને પ્રવાસન જોખમમાં મુકાઇ રહ્યું છે. સ્પેનના કેટલાક વિસ્તારોની હોટેલો પાણીની અછતને કારણે વ્યક્તિ દીઠ પાણીનો દૈનિક વપરાશ ૧૦૦ લિટર સુધી સીમિત કરી રહી છે. સ્થાનિક રહેવાસીઓ ખેતી સાથે જોડાયેલી તેમની આજીવિકા ટકાવી રાખવા સાથે પાણીના વપરાશને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આબોહવા અને પ્રવાસન એકબીજા સાથે સંકળાયેલાં છે તે જોતાં એક વસ્તુ સ્પષ્ટ બની છે કે અત્યાર સુધી આપણે જે નીતિ અપનાવી તે ટકાઉ નથી. જે-તે સરકારોએ હવે તેમની નીતિઓમાં જળવાયુ પરિવર્તનના મુદ્દાને ધ્યાનમાં લઈ ફેરફાર કરવો જરૂરી બન્યો છે.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top