કોરોના કાળ દરમિયાન અને પછી એફએમ ગોલ્ડ મુંબઈ પરથી, બપોરે 3 થી 4 આવતો ગુજરાતી ફિલ્મી અને ગૈર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ બંધ થઈ ગયો હતો. શ્રોતા ફોન કરીને પોતાનું મનપસંદ ગીત સાંભળીને મનોરંજન માણતાં હતાં. એ કાર્યક્રમ ફરી બે વર્ષ પછી, 15 જુલાઈ 2024 થી શરૂ થઈ ગયો છે એટલે શ્રોતા ભરપૂર મનોરંજન માણી રહ્યાં છે. એફએમ ગોલ્ડ મુંબઈ પાસે ગુજરાતી ગીતોનો સમૃદ્ધ અને દુર્લભ ખજાનો છે. ઘણાં ગીતો બજારમાં કેસેટ કે સીડીમાં પણ મળતાં નથી એવાં ગીતો મુંબઈ એફએમ ગોલ્ડ સંભળાવે છે. નવાં ગુજરાતી ગીતો પણ ઘણાં છે. શ્રોતાને વાર તહેવાર નિમિત્તે વિશેષ ગીતો પણ સંભળાવે છે, જે ખૂબ ધન્યવાદને પાત્ર છે.
ગુજરાતમાંથી પણ ઘણી બધી ફરમાઇશ કરવામાં આવે છે. ઘણી વાર કોઇ વિષયને ધ્યાનમાં લઈ વિશેષ ગીતો રજૂ કરવામાં આવે છે. એટલે એફએમ ગોલ્ડ મુંબઈ કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર શ્રોતા વ્યક્ત કરે છે. એફએમ ગોલ્ડ મુંબઈ ગુજરાતમાં નથી છતાં ગુજરાતી કાર્યક્રમ આપે છે એ ગુજરાત માટે ગૌરવની વાત છે. વિવિધ ભારતી અને ઉર્દૂ સર્વિસ પર પહેલી અને બીજી સભામાં હાલ હજુ પણ ફરમાઈશનો કાર્યક્રમ રજૂ થતો નથી એટલે શ્રોતા ખૂબ નારાજ છે, એટલે વિવિધ ભારતી અને ઉર્દૂ સર્વિસ ફરમાઇશ કાર્યક્રમ શરૂ કરી શ્રોતાની નારાજગી દૂર કરે અને બહુજનસુખાય, બહુજનहिताय શીર્ષક સાર્થક કરે!
માંજલપુર, વડોદરા – જયંતીભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.