SURAT

વરાછાના વેપારીએ એક વર્ષમાં બ્રાન્ડેડ કંપનીની 6 કરોડ ડુપ્લીકેટ વોચ વેચી, આ રીતે ખુલી પોલ

સુરતઃ શહેરમાં નકલી ઘી, પનીર બાદ હવે ડુપ્લીકેટ ઘડિયાળોનું રેકેટ પકડાયું છે. વરાછા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ ઘડિયાળો વેચી ગ્રાહકોને લૂંટવામાં આવી રહ્યાં હતાં. બ્રાન્ડેડ કંપનીની ફરિયાદના પગલે દરોડા પાડી દુકાનદારની પોલ ઉઘાડી પાડવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પુણા વિસ્તારમાં આવેલી ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કિમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી. તેથી કંપનીએ આ મામલે કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્કમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના પગલે દિલ્હી હાઇકોર્ટના ઓર્ડરથી કોર્ટ કમિશનની સાથે સ્કિમી કંપનીની વોચનું ડુપ્લીકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો પર કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો.

પુણાની આશીર્વાદ વોચ નામની દુકાનમાં 300થી લઈને 1300 રૂપિયા કરતાં વધારે ભાવે કંપનીની વોચ વેચવામાં આવતી હતી. દુકાનદાર ઓનલાઈન દેશભરમાં વોચ સપ્લાય કરતો હતો. કંપનીના જણાવ્યા અનુસાર સર્વિસ સેન્ટરમાં જ્યારે સ્કિમીની વોચ રીપેરીંગ માટે આવી ત્યારે વોચમાં રહેલા મિકેનિઝમ પર તેમને શંકા થઈ હતી.

ત્યારબાદ ટેકનિકલ બાબતોની તપાસ કરતાં સામે આવ્યું હતું કે, વોચ ડુપ્લીકેટ છે અને તેમની કંપનીની પ્રોડક્ટનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે. ત્યારબાદ કંપની દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી અને કોર્ટ કમિશન સાથે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કંપનીના જણાવ્યા અનુસાર 40થી 50 રૂપિયામાં વોચ તૈયાર થતી હતી અને હલકી ગુણવત્તાનું મટીરીયલ આ વોચમાં ઉપયોગ કરી વોચને બ્રાન્ડેડ હોવાનું જણાવી આશીર્વાદ વોચ દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હતું. માત્ર સ્કીમી કંપની જ નહીં પરંતુ અન્ય બ્રાન્ડેડ કંપનીઓની વોચનું પણ ડુપ્લિકેશન થતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.

કંપની દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે, એસએસ એન્ટરપ્રાઇઝ, નિવાન ફેશન અને આશીર્વાદ એન્ટરપ્રાઇઝ નામથી પિયુષ વિરડીયા નામનો વ્યક્તિ ડુપ્લીકેટ વોચનું વેચાણ કરતો હતો. કંપનીની તપાસમાં જાણવા મળ્યું કે, ચાલુ વર્ષમાં 6 કરોડ કરતાં વધારે રૂપિયાની વોચનું ડુપ્લિકેશન કરી તેનું વેચાણ ગ્રાહકોને કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આ તપાસમાં આંકડો વધે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. હાલ તો કંપની દ્વારા સમગ્ર મામલે વોચનું ડુપ્લિકેશન કરતા લોકો સામે ટ્રેડમાર્ક એન્ડ કોપીરાઇટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

Most Popular

To Top