Comments

બજેટમાં રોજગારના પ્રશ્ને ચિંતા

કેન્દ્રિય બજેટ દર વર્ષે થતી એવી જાહેરાત છે જેમાંથી સરકારની આર્થિક તેમજ  રાજકીય પ્રાથમિકતાનો અંદાજ આવતો હોય છે. નવી સરકારના નવા બજેટમાં 2024ની ચૂંટણીના પરિણામની અસર વર્તાય છે. બેરોજગારી, મોંઘવારી અને ઘટતી આવક આ ચૂંટણીમાં અગત્યના મુદ્દા હતા, જેનો પડઘો આ બજેટની જાહેરાતમાં સંભળાય છે. યુવાનો માટે રોજગાર ઊભા થાય એ માટેની યોજનાઓ પાછળ આગામી પાંચ વર્ષમાં બે લાખ કરોડ જેટલો ખર્ચ કરવાની જાહેરાત છે. તો વળી, આંધ્રપ્રદેશ માટે પંદર હજાર કરોડ અને બિહાર માટે છવીસ હજાર કરોડનું પેકેજ તેમજ બીજી અનેક માળખાકીય સુવિધાની જાહેરાત તો  દેખીતી રીતે નવી યુતિના આધારે બનેલી સરકારના રાજકારણનું પ્રતિબિંબ છે.

બેરોજગારી અને મોંઘવારીનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી સામાન્ય માણસને સતાવી રહ્યો છે. કોવિડ મહામારી પછી જી.ડી.પી. નો વૃધ્ધિદર ભલે ઉપર આવ્યો હોય પણ,  ઘરદીઠ  થતો ખાનગી ખર્ચ હજુ ઉપર નથી આવ્યો. એક અંદાજ પ્રમાણે તો  2023-24માં તો ઘર દીઠ ખર્ચનું પ્રમાણ ઘટીને પાછલાં વીસ વર્ષોના સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે. મે મહિનામાં  આર.બી.આઈ. એ કરેલા સર્વે પ્રમાણે માંડ માંડ ઉપર આવી રહેલો ગ્રાહકના વિશ્વાસનો સૂચકાંક વળી પાછો નીચે ગયો છે, જેની પાછળ મોંઘવારી અને બેરોજગારી જ મુખ્ય કારણ છે.

ઘરેલુ બચત પણ ઘટી છે, જે ઘરે ઘરે પહોંચેલી આર્થિક ભીંસ બતાવે છે. થોડીક નોકરીઓ માટે ઉમટેલાં લાખો યુવાનોનાં દૃશ્યો આપણે જોઈએ જ છીએ. એટલે જ સામાન્ય રીતે  બેરોજગારીના પ્રશ્ન અંગે ખાસ કશું બોલવા ના માંગતી સરકારે એની ત્રીજી ટર્મના પહેલા બજેટમાં રોજગારની તકો ઊભી કરવા માટે જાહેરાત કરી એક રીતે પ્રશ્નનો સ્વીકાર કર્યો. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં થયેલી એપ્રેંટિસશીપ/ ઇન્ટર્નશીપની યોજના તેમજ  આર્થિક પ્રોત્સાહનોને રોજગાર સાથે જોડવાની વાત હતી. નવી જાહેરાતો ઘણા અંશે કોંગ્રેસે રજૂ કરેલા આ વિચાર જેવી છે. પાર્ટી પોલિટિક્સના અહમને વચ્ચે લાવ્યા વગર સરકારે આ વિચાર અપનાવ્યો એટલો આનંદ. થોડાક શહેરી યુવાનો માટે એ મલમ લગાવવાનું કામ જરૂર કરશે. 

ખાનગી કંપની રોજગાર ઊભો કરે તો તેમને પ્રોત્સાહન આપતી ત્રણ યોજનાની જાહેરાત થઈ, લગભગ 40 લાખ નોકરી ઊભી કરવાનો અંદાજ છે. સ્ટાર્ટઅપ સેક્ટર અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે એટલે  તેઓ  ખાનગી મૂડી ઊભી કરી શકે તે માટે એન્જલ ટેક્સ દૂર કરાયો અને જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે એ ઇન્ટર્નશીપ યોજના. એક કરોડ યુવાનોને ટોચની 500 કંપનીમાં મહિને 5000 રૂપિયાના વળતર સાથે ઇન્ટર્નશીપ આપવામાં આવશે.

તાલીમ આપવાનો ખર્ચ કંપની ઉપાડશે. ઇન્ટર્ન યુવાનોને આ તાલીમ ભવિષ્યમાં નવા ધંધા રોજગારની તક ખોલી આપશે. રોજગારની ભયંકર અછતના સમયમાં ખાનગી કંપની સાથે ભાગીદારીની આ યોજના આવકારદાયક છે. જો કે, ટૂંકા ગાળાની  એપ્રેંટિસશીપ કેટલી લાંબા ગાળાની નોકરીઓ ઊભી કરી શકશે એ સવાલ તો છે જ. ખાનગી ક્ષેત્ર કુશળતા વધારવા માટે ઝડપભેર મૂડીપ્રધાન બન્યો છે એટલે માનવીય શ્રમની જરૂરિયાત આમ પણ ઓછી છે. વળી, નવી કાયમી નોકરી ત્યારે ઊભી થશે જ્યારે ઉત્પાદન વધશે. માંગમાં વધારો થયા વિના કોઈ પણ કંપની ઉત્પાદન શું કામ વધારે?

ગ્રામ્ય વિસ્તારમાં રોજગારનું મુખ્ય સાધન ખેતી જ છે. ખેતી જ્યારે પાછી પડે ત્યારે 100 દિવસના રોજગારની ખાતરી આપતી મનરેગા જેવી યોજના મદદે આવે છે. બજેટમાં મનરેગાની ફાળવણી ગયા વર્ષે કરેલા ખર્ચ જેટલી જ છે, એમાં ફેરફાર થયો નથી. મનરેગા માત્ર લઘુતમ વેતન આપે છે તો પણ  આ વર્ષે 25 લાખ નવાં લોકોએ  જોબ કાર્ડ બનાવ્યા છે, જેનો મતલબ  ગ્રામ્ય વિસ્તારની આર્થિક કટોકટીની ગંભીરતા ઓછી થઈ નથી. અહીં, ચૂંટણીનાં પરિણામોનું પ્રતિબિંબ દેખાતું નથી.  ભાજપનું ધ્યાન હમેશાથી શહેરી મધ્યમ વર્ગ  પર વધારે રહ્યું છે, એટલે કદાચ આમ હોઇ શકે!

રોજગારનો પ્રશ્ન અસંગઠિત ક્ષેત્રને મજબૂત કરવા સિવાય હલ થવાનો નથી. 1991 પછી અસંગઠિત ક્ષેત્રનો વિસ્તાર ખૂબ ઝડપથી વધ્યો છે. નોકરી ના મળે તો સ્વરોજગાર ઊભો કરતો વર્ગ ઘણો મોટો છે. આર્થિક ચડાવ-ઉતારની સૌથી પહેલી અસર એમને જ થાય છે. આ ક્ષેત્રને મજબૂત કરવાના લાંબા ગાળાનાં પગલાંની જરૂર છે, જે અંગેની ઠોસ જાહેરાત બજેટમાં અથવા એ સિવાય જરૂરી છે.  

બજેટની સૌથી મહત્ત્વની જાહેરાત ટેક્સ સંદર્ભે હોય છે. મધ્યમ વર્ગને એ ખાસ અસર કરે છે એટલે પણ એનું મહત્ત્વ છે. આ વખતે પણ, નવી ટેક્સ પ્રથામાં વધુ સ્તરો ઉમેરી વ્યક્તિગત રીતે 17,500 રૂપિયાનો ફાયદો થાય એવી જોગવાઈ જાહેરાત થઈ છે. જ્યારે ફુગાવાનો દર સતત ઊંચો રહેતો હોય, ખાસ કરીને ખાદ્ય સામગ્રીના ભાવ નવ ટકાથી પણ ઊંચા દરે વધતા હોય ત્યારે વાર્ષિક 17,500ની બચત એ ચપટી જેટલી રાહત છે. એનાથી માંગમાં ખાસ વધારો થવાનો નથી. પણ, ખેર આવા નાના નાના લાભ થકી જ મધ્યમ વર્ગ ટકી રહ્યો છે. બાકી, અંબાણીને લગ્ન પાછળ 5000 કરોડ ખર્ચ કરતાં ખંચકાટ થતો નથી અને એને કોઈ વેલ્થ ટેક્સ આપવો પડતો નથી!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top