National

સાંબેલાધાર વરસાદમાં અડધુ મુંબઇ ડૂબ્યુ, દિલ્હીમાં પણ એલર્ટ જારી

નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચોમાસાની (Monsoon) અસર જોવા મળી રહી છે. ત્યારે દિલ્હી અને મુંબઈમાં (Mumbai) વરસાદના કારણે જન જીવન ખોરવાઇ ગયું છે. દિલ્હીમાં ગુરુવારે 25 જુલાઈના રોજ વરસાદે દિલ્હીવાસીઓને ગરમીથી રાહત આપી હતી. અસલમાં દિલ્હી-એનસીઆરના (Delhi-NCR) ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે કેટલીક જગ્યાએ હળવો વરસાદ જોવા મળ્યો હતો. આવી જ સ્થિતિ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બની છે, જ્યાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકીની સામનો કરવો પડ્યો હતો.

અસલમાં ગુરુવારે મહારાષ્ટ્રના પુણેમાં વરસાદથી શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. અહીં પુણેની 15 જેટલી હાઉસિંગ સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ત્યારે પુણે શહેરમાં ચાર અલગ-અલગ સ્થળોએ 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. દરમિયાન પ્રશાસને પુણે પિંપરી ચિંચવડ શહેરની શાળાઓમાં રજા જાહેર કરી હતી. તેમજ ગુરુવારે પાલઘરમાં શાળા અને કોલેજો પણ બંધ રાખવામાં આવી હતી. આ સાથે જ કર્ણાટકના બેલાગવીમાં વરસાદને કારણે શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે.

દિલ્હીમાં વરસાદને લઈને યલો એલર્ટ જારી
ગુરુવારે સવારે દિલ્હીમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો, જેના કારણે લોકોને ભેજથી થોડી રાહત મળી હતી. ત્યારે લાજપત નગર અને ITO તરફ જતા લોકો વરસાદમાં ભીંજાતા જોવા મળ્યા હતા. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હીમાં મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ 26 ડિગ્રી રહેશે. આ સાથે જ દિલ્હીમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે.

સાંબેલાધાર વરસાદમાં અડધુ મુંબઈ ડૂબ્યુ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો, જ્યારે અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા હતા. BMCના જણાવ્યા મુજબ સમગ્ર મુંબઈ ક્ષેત્રને પાણી પુરૂ પાડતા સાત તળાવોમાંથી એક વિહાર તળાવ આજે સવારે 3.50 વાગ્યાની આસપાસ ઓવરફ્લો થવા લાગ્યું હતું. ત્યારે સતત વરસાદ વચ્ચે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક ગીચ અને ધીમી ગતિએ વાહનોની અવરજવર જોવા મળી હતી.

આ સાથે જ મઝગાંવ, ચેમ્બુર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વહેલી સવારે ઓફિસ જવા નીકળેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચેમ્બુરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા. મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે મીઠી નદીમાં ઉછાળો આવ્યો હતો. દરમિયાન સતત વરસાદને કારણે નવી મુંબઈમાં મેફકો માર્કેટ પાસે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.

પુણેમાં ઘરોમાં પાણી ઘુસી ગયા, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ
પુણેમાં ભારે વરસાદને કારણે ગુરુવારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યારે પુણેના એકતા નગર અને વિઠ્ઠલ નગરની સ્થિતિ એવી છે કે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. વરસાદ અને પાણી ભરાવાને કારણે લોકો તેમના ઘરોમાં કેદ થઈ ગયા હતા, ત્યારબાદ પુણે ફાયર વિભાગે બોટના માધ્યથી લોકોને તેમના ઘરોમાંથી સલામત સ્થળે ખસેડ્યા હતા. હાલ પુણેમાં મૂલા મુથા નદી ખતરાના સ્તરથી ઉપર વહી રહી છે, જેના કારણે લોકો ભીડે પુલ પાર કરતા ડરી રહ્યા છે.

શહેરમાં સતત પડી રહેલા વરસાદને જોતા કલેક્ટર સુહાસ દીવસના આદેશ બાદ પુણે શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. ત્યારે અહીં હવામાન વિભાગે ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. દરમિયાન પુણે શહેર ઉપરાંત પિંપરી ચિંચવાડ, ભોર, વેલ્હે, માવલ મૂળશી અને ખડકવાસલામાં પણ શાળાઓ બંધ કરવાનો આદેશ લાગુ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદને કારણે ખડકવાસલા ડેમમાંથી પાણીનો પ્રવાહ વધ્યો હતો.

પુણેમાં વીજળીનો આંચકો લાગવાથી ત્રણના
પુણેમાં ગુરુવારે વહેલી સવારે ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબી ગયેલી એક ગાડીને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા હતા. સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ડેક્કન જીમખાના વિસ્તારમાં બની હતી. આ ત્રણેય લોકો ભીડે બ્રિજ પાસે રસ્તાની બાજુએ એક ગાડી પર ઈંડામાંથી બનાવેલી ખાદ્ય સામગ્રી વેચતા હતા. ત્યારે ભારે વરસાદને કારણે જ્યારે તેમની ગાડી પાણીમાં ડૂબી ગઈ, ત્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા અને ગાડીને સલામત સ્થળે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, તે દરમિયાન ત્રણેયને વીજ કરંટ લાગ્યા હતા.

Most Popular

To Top