SURAT

સુરતમાં સાંજથી શરૂ થયેલા વરસાદે ભુક્કા બોલાવી નાંખ્યા, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વાહન ચાલકો અટવાયા

સુરતમાં રવિવારે બપોર બાદ ઝરમર શરૂ થયેલા વરસાદે સાંજ થતા થતા ભુક્કા બોલાવી કાઢ્યા હતા. અચાનક ભારે વરસાદ શરૂ થતાં રવિવારે ફરવા નિકળેલા લોકો અટવાયા હતા. બીજી તરફ ઘરમાં રહીને રવિવાર વિતાવનાર લોકોને મોજ પડી ગઈ હતી. સાંજે 5.30 થી 7.30 દરમિયાન બે જ કલાકની વરસાદની ધુંવાધાર બેટિંગ ને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મોડી સાંજ સુધી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

સુરતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થઈ હતી. રવિવારે સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતા વાહન ચાલકો અટવાયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોના વાહનો બંધ થઈ ગયા હતા. બીજી તરફ સાંજે 6 વાગ્યે જ અંધારુ થઈ જતા વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. જોકે આ અતિભારે વરસાદનો સુરતીઓએ ભરપૂર આનંદ લીધો હતો. રવિવારની રજા હોવાથી લોકોએ વરસાદી માહોલને માણ્યો હતો. બીજી તરફ શહેરના નાનપુરા, કાદરશાની નાળ, સલાબતપુરા, કતારગામ, સિંગણપોર, રાંદેર, અડાજણ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

પોલીસ બની મદદરૂપ
સુરતમાં ભારે વરસાદ વચ્ચે અઠવાગેટ પોલીસ સ્ટેશનના PI હડિયા પોતાના વિસ્તારમાં આખી ટિમ સહિત રાહદારીઓને મદદરૂપ થવા પહોંચ્યા હતા. અહીં હજારો ટુ વ્હીલર ગાડી અને ફોર વ્હીલર ગાડી બંધ પડી જવાના કિસ્સા સામે આવ્યા હતા. લોકો પાણી ભરાવાથી પરેશાન થયા હતા જેમને શહેર પોલીસે સહીસલામત માર્ગ પરથી પસાર થવામાં મદદ કરી હતી.

હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્ર દ્વારા ગુજરાતના હવામાન અંગેની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 148 એમએમ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 53 એમએમ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સરક્યુલેશન ઓફશોર ટ્રફ અને શિઅર ઝોન સર્જાયું છે જેના કારણે ભારે વરસાદ થઇ રહ્યો છે. આજે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આાવ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા સોમવારે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જુનાગઢ, રાજકોટ બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપીનવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદ, ગાંધીનદર ખેડા, અરાવલ્લી, મહેસાણારમાં ભારે વરસાદ પડવાની આગાહી છે

Most Popular

To Top