પલસાણા: બારડોલીના ટીમ્બરવા ગામે એક ખેતરની બંગલીમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરી રહેલા બે શખ્સોને સુરત જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંગલી અને કારમાંથી 4.27 લાખ રૂપિયાનો દારૂ ઝડપી કુલ 10 શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા.
- બારડોલીના ટીમ્બરવામાં રૂ.4.27 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
- ખેતરની બંગલીમાં દારૂ સગેવગે થતો હતો, એલસીબીએ કાર્યવાહી કરી
સુરત જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલીના ટીમ્બરવામાં કાળી ખાડી પાર અરવિંદભાઇ ભીખાભાઈ પટેલના ખેતરમાં આવેલી બંગલીએ રાજુ ઉર્ફે રાજમાલ ચુનીલાલ કુમહારએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેના સાગરીતો સાથે સગેવગે કરવાની પેરવીમાં છે. આથી એલસીબીએ રેડ કરી બે શખ્સને પકડી લીધા હતા. તો ત્રણ નાસી છૂટ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ.4,27,100નો દારૂ, ઇકો કાર કિં.રૂ.4 લાખ, સ્વિફ્ટ કાર કિં.રૂ. 5 લાખ, બે મોબાઇલ અને રોકડ મળી કુલ 13,28,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને આરોપી નરોત ઉર્ફે સુરેશ ઉર્ફે રોમિયો પ્રજાપતિ (રહે., શિવશક્તિ સોસાયટી, સાંકી, મૂળ રહે., ભીલવાડા, રાજસ્થાન) અને અશોક કાલુરામ પ્રજાપતિ (રહે., શિવશક્તિ સોસાયટી, સાંકી, મૂળ-રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે રાજુ ઉર્ફે રાજમલ ચુનીલાલ કુમહાર, સંદીપ લુહાર, રમેશ પ્રજાપતિ, મહેન્દ્ર પ્રજાપતિ, ઉમેશ, શૈલેષ રાઠોડ, અજય ઉર્ફે અજલો રાઠોડ, મનીષ ઉર્ફે મનિયો ઉર્ફે કાલુ મળી કુલ 12 શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા.