રાજકોટઃ મચ્છર અને માખીથી ફેલાતી ચાંદીપુરા નામની બિમારીએ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યભરમાં ચાંદીપુરા નામની બિમારીથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે તા. 18 જુલાઈએ રાજકોટમાં 3 અને પંચહાલ જિલ્લામાં 1 બાળકનું મોત આ રોગના લીધે થયું છે. અત્યાર સુધી આ વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 31 થઈ છે, ત્યારે મૃત્યુઆંક વધીને 21 થયો છે. અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળતો આ રોગ હવે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ પ્રસર્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ પંચમહાલ, સાબરકાંઠા અને અરવલ્લીમાં 4-4 કેસ નોંધાયા છે. જે પૈકી અરવલ્લીમાં 3 અને સાબરકાંઠા અને પંચમહાલમાં 2-2 લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારાઓમાં બાળકોની સંખ્યા વધુ છે. અત્યાર સુધી રાજકોટમાં 5 બાળકના મોત આ રોગના લીધે નિપજ્યા છે.
મોરબીના રાશિ પ્રદીપ સાહરીયાને 12 જુલાઈએ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું 14 જુલાઈએ મોત થઈ ગયું હતું. પડધરીમાં 2 વર્ષના પ્રદીપ રાઠોડ, જેતપુરના પેઢીયા ગામનો 8 વર્ષના કાળુ ચંપુલાલ, મધ્યપ્રદેશના 13 વર્ષીય સુજાકુમાર ધનક, 3 વર્ષીય રિતિક રાજારામ મુખીયાનું મોત થયું છે.
કઈ રીતે થાય છે આ રોગ?
ચાંદીપુરાનો વાઈરસનો સૌ પ્રથમ કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં મળ્યો હતો. તેથી તેનું નામ ચાંદીપુરા પડ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાં વિસ્તારો આ વાઈરસથી પ્રભાવિત થયા છે. આ એક આરએનએ વાઈરસ છે. ચાંદીપુરાનો વાઈરસ જે દર્દીને ઝપેટમાં લે તે દર્દીને મગજનો તાવ આવે છે. આ બિમારી મચ્છર અને માખીથી ફેલાય છે.
ચાંદીપુરા વાઈરસના લક્ષણો શું છે અને તેનાથી બચવા શું કરવું?
દર્દીને ખૂબ તાવ આવે છે. ઉલટી, ગરદનમાં ખેંચાણ અને માથાનો દુઃખાવો અનુભવાય છે. ચાંદીપુરા વાઈરસ મોટા ભાગે 9 મહિનાથી 14 વર્ષની બાળકોને શિકાર બનાવે છે. 9 માખી કે મચ્છરના કરડવાથી તેમની સલાઇવા મારફતે બ્લડમાં વાઈરસ પહોંચે છે અને તેનું સંક્રમણ ફેલાય છે.
આ વાઈરસથી બચવા જંગલોમાં નહીં જવું. મચ્છર-માખીનો ઉપદ્રવ અટકાવવો. જણાવી દઈએ કે આ વાઈરસની કોઈ દવા નથી. એડવાન્સ સ્ટેજમાં કોમા અને મૃત્યુનું જોખમ રહે છે. આ વાઈરસનો મૃત્યુદર 75 ટકા છે. તે સીધો મગજ પર અસર કરે છે.