World

ચીનના શોપિંગ મોલમાં ભીષણ આગજની, 16 લોકો જીવતા બળ્યા

શાંઘાઇ: ચીનમાં (China) બુધવારે 17 જુલાઈના રોજ એક મોટી દુર્ઘટના (Accident) બની હતી. આ દુર્ઘટના ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિગોંગના એક શોપિંગ મોલમાં (Shopping mall) ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 16 લોકોના બળીને મોત થયા હતા. ત્યારે ચીનના સરકારી મીડિયા અનુસાર સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં 14 માળની ઈમારતમાં આગ લાગી હતી.

ચીનની સરકારી મીડિયા અનુસાર સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં 14 માળની ઈમારતમાં આગ લાગતા અનેક લોકો બિલ્ડીંગની અંદર ફસાઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઈમારતમાંથી કાળો ધુમાડો નીકળતો સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે આગજનીની માહિતી મળતાની સાથે જ 300 ઈમરજન્સી કર્મચારીઓ અને ડઝનબંધ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

ઈમરજન્સી વર્કર્સે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને લગભગ 30 લોકોને બિલ્ડિંગમાં લાગેલી આગમાંથી બચાવી લીધા હતા. ત્યારે સ્થાનિક અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગનું કારણ ચાલુ બાંધકામ હતું, જેના કારણે સ્પાર્ક થયો હતો અને પછી આગ ફાટી નીકળી હતી. જો કે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

આગનો વીડિયો:
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે. તેમજ કાળો ધુમાડો પણ નીકળી રહ્યો છે, જે દૂરથી દેખાઈ રહ્યો છે. ત્યારે આગ ઓલવવા માટે ફાયરબ્રિગેડની ટીમના જવાનોએ માત્ર પાઈપ અને ડ્રોન દ્વારા આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઝિગોંગ શહેરમાં જ્યાં આગ લાગી હતી તે મોલમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રેસ્ટોરાં અને મૂવી થિયેટર તેમજ ઘણી કંપનીઓની ઓફિસો હતી.

અકસ્માત પાછળનું કારણ જાણવા સૂચનાઓ મળી
ચીનના ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં બચાવ કાર્યકર્તાઓ અને પ્રાંતીય અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે આગનું કારણ શોધવા માટે જણાવ્યું હતું. તેમજ આ અકસ્માતમાંથી બોધપાઠ લેવા કહ્યું હતું કે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. કારણ કે ચીનમાં આવા અકસ્માતો સામાન્ય બની ગયા છે. ભૂતકાળમાં ઇમારતોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે, જેમાં ડઝનેક લોકોના મોત થયા છે. ત્યારે ઇમારતો બાંધતી વખતે નિયમોનું પાલન ન કરવું એ આગનું મુખ્ય કારણ છે.

Most Popular

To Top