ભરૂચઃ અંકલેશ્વર તાલુકાના હરીપુરા ગામે વહેલી સવારે એક મકાનમાં શોર્ટ સર્કીટને કારણે અચાનક આગ લાગતા એક દુકાન અને બે મકાનો બળીને ભસ્મીભૂત થઇ ગયા હતા. આગના લીધે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. લોકોએ જીવ બચાવવા ભાગમભાગ કરી હતી. સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
- હરીપુરા ગામના નિશાન ફળિયાની ઘટના
- સવારે 7 વાગ્યાના અરસામાં બે મકાન એક દુકાનમાં આગ લાગી
- આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ
- ઘરવખરીનો સામાન બળીને ખાક થયો, ફાયર બ્રિગેડે આગ ઓલવી
અંકલેશ્વર તાલુકાના હરીપુરા ગામે નિશાળ ફળિયામાં બુધવારે સવારે લગભગ 7 વાગ્યના અરસામાં એક મકાનમાં અચાનક શોર્ટ સર્કીટથી આગ લાગી હતી. આગના લીધે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગ લાગી ત્યારે વરસાદ પડી રહ્યો ન હતો, તેથી આગ વધુ ફેલાઈ હતી. એક મકાનમાં લાગેલી આગે બીજા એક મકાન અને એક દુકાનને ઝપેટમાં લીધા હતા.
અગન જ્વાળા એટલી હદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને હોલવવા માટે અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા બે ફાયર ટેન્કરો ટીમ સાથે દોડી આવ્યા હતા. તેઓએ આવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ આદર્યા હતા. જેમાં બે મકાનોમાં ઘરવખરીનો તમામ સામાન અને દુકાનનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
આગની ચપેટમાં ભોગ બનનાર પ્રવીણભાઈ ભગુભાઈ પટેલ, ઠાકોરભાઈ જગાભાઇ પટેલ અને જીવણભાઈ કેશવભાઈ પટેલ સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતા વહેલી સવારે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત સહીતની ટીમ પહોચી ગયા હતા.જેઓએ જીલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટને દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ સોંપી દીધો હતો.