હાલમાં હીરા, કાપડ કે જરી કે અન્ય ધંધાની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે જાણે બીજું લોકડાઉન ચાલતું હોય તેવી રીતે બજારો સુમસામ પડ્યાં છે. બજારમા ઘરાકી નથી કે કોઈ ઓર્ડર નથી. દિવસ આખો દુકાનમાં બેસી બેસીને ગ્રાહકોની રાહ જોવામાં સમય નીકળી જાય છે. નોટબંધી જીએસટી અને લોકડાઉન પછી પ્રજાની તો જાણે કે હાલત બગડી ગઈ છે. ખાસ કરીને વેપારી વર્ગનો ધંધો ન હોવાથી અતિ દુઃખી છે. મિત્રો કે વેપારી મિત્રો જે પણ કોઈ પહેલાં મળતા હતા ત્યારે ખડખડાટ હસતા હતા તે હાસ્ય આજે વિલાઈ ગયું છે.
પહેલાં લોકો એકબીજાને મળતાં ત્યારે આત્મીયતાથી જે ઉમળકો દેખાતો હતો તે હવે દેખાતો નથી. દરેક વ્યક્તિને ધંધાની અને ઘરખર્ચની ચિંતા જેવી કે બાળકોની વેન કે સ્કૂલ ફી ઇલેક્ટ્રિસિટીનાં બીલો કે લોન લીધી હોય તો હપ્તા ભરવાની ચિંતા દરેકના મોઢા પર સ્પષ્ટ દેખાઈ આવે છે. ધંધાની સ્થિતિ આટલી હદે ખરાબ થવાનું કારણ શું? ચૂંટણી પહેલાં વેપારીઓ કહેતા હતા કે ચૂંટણી પતી જાય અને સરકાર બને પછી ધંધો ફરી પાટે ચડી જશે પરંતુ ચૂંટણી પત્યા પછી પણ હજુ ધંધાના પાટે ચઢવાના કોઈ જ એંધાન નથી.
હાલની મંદીમાંથી બહાર નીકળવા માટે સરકારે પોતે હસ્તક્ષેપ કરી દરેક ધંધાને ફરી પાટે ચઢાવવામાં અસરકર્તાઓને મદદ કરે તે ખૂબ જ જરૂરી છે. આખરે લોકો જે પણ સરકારને ચૂંટીને મોકલે છે તે એ જ આશાએ મોકલે છે કે અમારો ધંધો રોજગાર સકુશળ ચાલતો રહે ત્યારે ચૂંટાયેલી સરકારની પણ ફરજ બને છે કે ધંધાઓ તરફ ધ્યાન આપી અને ધંધો ધમધમતો રહે અને લોકોને રોજી રોટી મળતી રહે તે મુજબનું આયોજન કે મદદ કરવાની પૂરી ફરજ છે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે