સાપુતારા : ડાંગ જિલ્લામાં શનિવારે ધોધમાર વરસાદ પડ્યા બાદ શનિવારે રાત્રીનાં અરસામાં સાપુતારા પંથકમાં ધોધમાર વરસાદ પડતા અંબિકા નદી બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી. રવિવારે દિવસ દરમ્યાન પણ આહવા, વઘઇ અને સાપુતારા પંથકમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. રવિવારે ઝરમરીયા વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડતા જોવાલાયક સ્થળોએ બખા થઈ જવા પામ્યા હતા.
સાપુતારાનાં સ્વાગત સર્કલ, ટેબલ પોઈંટ, સનરાઈઝ પોઈંટ, સ્ટેપ ગાર્ડન, બોટીંગ સહિતનાં સ્થળોએ પ્રવાસી વાહનોની ભીડ જામતા ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ટેબલપોઈન્ટનાં માર્ગે પ્રવાસી વાહનો ખોટકાઈ જતા કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી. સાપુતારાથી શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં પણ ભારે વાહનો ખોટકાઈ જતા સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે સતત બે દિવસ સુધી પોલીસને પરસેવો પડ્યો હતો.
સાપુતારા પી.એસ.આઈ.એન.ઝેડ. ભોયાની ટીમ દિવસ દરમ્યાન ખડેપગે તૈનાત રહેતા ટ્રાફિક કાબુમાં લીધો હતો. ડાંગ જિલ્લાનાં ડોન, મહાલ કેમ્પ સાઈટ, ગીરમાળનો ગીરાધોધ, વઘઇનો ગીરાધોધ, બોટનિકલ ગાર્ડન વઘઇ, પાંડવ ગુફા સહિત અન્ય પ્રવાસન સ્થળોએ પણ રવિવારે પ્રવાસીઓની ભીડ જામતા સમગ્ર વાતાવરણ કીકીયારીઓથી ગુંજી ઉઠ્યુ હતુ. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 04 મીમી, વઘઇ પંથકમાં 06 મીમી, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 50 મીમી અર્થાત 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
વાંસદામાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ, નવસારી જિલ્લામાં અન્યત્ર પોરો ખાધો
નવસારી : શુક્રવાર અને શનિવારે સવારે ધૂંઆધાર બેટીંગ કરીને મેઘરાજાએ ચારેકોર નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી કરી નાંખ્યું હતું, પરંતુ શનિવારે બપોર પછી રવિવારની સાંજ સુધી વરસાદે પો’રો ખાધો હતો. જો કે દિવસનું મહત્તમ તાપમાનમાં 6 ડિગ્રીનો વઘારો થતાં ગરમીનો અનુભવ પણ થયો હતો. લઘુતમ તાપમાનમાં પણ 1.5 ડિગ્રીનો વધારો થયો હતો.
શનિવારે સાંજે છ વાગ્યે રવિવારે સાંજે છ વાગ્યા સુધીના વીતેલા 24 કલાકના વરસાદને સામાન્ય હાજરી પુરાવી હતી. જો કે વાંસદામાં 24 કલાકમાં 77 મીમી એટલે કે 3 ઈંચ વરસાદ પડ્યો હતો. એ સિવાય જિલ્લામાં નવસારી કોરૂંકટ રહ્યું હતું. રવિવારે સાંજે 6 કલાકે વીતેલા 24 કલાક દરમિયાન નવસારીમાં 0 મીમી વરસાદ નોંધાયો હતો. એ ઉપરાંત જલાલપોરમાં 1 મીમી, ગણદેવીમાં 2 મીમી, ચીખલીમાં 8 મીમી, વાંસદામાં 77 મીમી અને ખેરગામમાં 16 મીમી વરસાદ નોંધાયો હતો.
બે દિવસે ધમાકેદાર વરસાદ પડવા છતાં રવિવારે તાપમાનમાં વધારો થતાં બફારાનો અહેસાસ થયો હતો. શનિવારે મહત્તમ તાપમાન 27 ડિગ્રી હતું, જેમાં 6 ડિગ્રીનો વધારો થતાં રવિવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી થતાં ગરમીનો અહેસાસ થયો હતો. આખો દિવસ બફારાનો અનુભવ થયો હતો. એ જ રીતે લઘુતમ તાપમાનમાં પણ 1.5 ડિગ્રીનો વધારો થયો હતો. શુક્રવારે રાત્રે લઘુતમ તાપમાન 24 ડિગ્રી હતું, જે વધીને શનિવારની રાત્રે 25.5 ડિગ્રી થઇ ગયું હતું. એ કારણે રાત્રે પણ ગરમીની હળવી લહેર અનુભવાઇ હતી.