World

ટ્રમ્પ પર ગોળીબાર કરનાર શૂટરનો DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, એઆર-સ્ટાઈલ રાઈફલ જપ્ત કરાઈ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર શનિવારે થયેલા હુમલા બાદ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) એજન્ટે કહ્યું કે હુમલાખોરની ઓળખની પુષ્ટિ કરવા માટે DNA ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે શંકાસ્પદ પાસેથી કોઈ આઈડી મળી નથી. એફબીઆઈના સ્પેશિયલ એજન્ટ ઇન ચાર્જ કેવિન રોજેકે જણાવ્યું હતું કે તેઓ બાયોમેટ્રિક્સની ચકાસણી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જણાવવામાં આવ્યું છે કે એક શૂટરે ટ્રમ્પ પર ખૂબ જ ઉંચી જગ્યાએથી ફાયરિંગ કર્યું હતું. જેમાં રેલીમાં હાજર વ્યક્તિની સાથે એક બંદૂકધારીનું પણ મોત થયું હતું. ગોળીબાર પછી તરત જ યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટો ટ્રમ્પને સ્ટેજ પરથી દૂર લઈ ગયા. યુએસ સિક્રેટ સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 6:15 વાગ્યે, એક શંકાસ્પદ શૂટરે બટલર, પેન્સિલવેનિયામાં રેલી સ્થળની બહાર એક એલિવેટેડ પોઝિશન પરથી સ્ટેજ તરફ લક્ષ્ય રાખીને અનેક ગોળી ચલાવી હતી.

યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર થોમસ મેથ્યુએ શૂટિંગ માટે સ્થળથી દૂર એક પ્રોડક્શન પ્લાન્ટ પસંદ કર્યો હતો. તે પેન્સિલવેનિયાના બેથેલ પાર્કનો રહેવાસી હતો. અહેવાલ છે કે બટલર ગ્રાઉન્ડમાં ટ્રમ્પ જે સ્ટેજ પર ટ્રમ્પનું સંબોધન કરતા હતા તે સ્ટેજથી 130 ડગલાં દૂર તેણે પોતાની સ્થિતિ ઊભી કરી હતી. તેણે ગોળીબાર કર્યાના થોડા સમય બાદ, તેને સિક્રેટ સર્વિસના સ્નાઈપરે ગોળી મારી હતી. બાદમાં તપાસ દરમિયાન હુમલાના સ્થળેથી એક એઆર-સ્ટાઈલ રાઈફલ પણ મળી આવી હતી.

એફબીઆઈના જણાવ્યા અનુસાર, 20 વર્ષીય યુવક ટ્રમ્પના સમારોહના સ્થળથી લગભગ 60 કિલોમીટર દૂર બેથેલ પાર્ક નામની જગ્યાએ રહેતો હતો. જોકે તેણે ટ્રમ્પ પર શા માટે હુમલો કર્યો તે જાણવાના પ્રયાસો ચાલુ છે. ઘટનામાં એક વ્યક્તિનું મોત અને અન્ય ઘાયલ થવા મામલે પણ હુમલાખોર સાથે કનેક્શન શોધવામાં આવી રહ્યો છે.

શૂટરે ઊંચી જગ્યા પસંદ કરી હતી
તમને જણાવી દઈએ કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટી તરફથી આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર શનિવારે એક રેલી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. શૂટરે ખૂબ જ ઉંચી જગ્યાએથી ટ્રમ્પ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં ટ્રમ્પના કાનમાંથી લોહી નીકળતું જોઈ શકાય છે. આ ઘટના બાદ ટ્રમ્પ ખતરાની બહાર છે. તેમણે પોતે જ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક નિવેદન જારી કરીને માહિતી આપી હતી.

વ્હાઇટ હાઉસના અધિકારીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ જો બિડેને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી. રાષ્ટ્રપતિએ પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરો અને બટલરના મેયર બોબ ડેંડોય સાથે પણ વાત કરી હતી. રાષ્ટ્રપતિ આજે રાત્રે વોશિંગ્ટન ડીસી પરત ફરી રહ્યા છે. આવતી કાલે સવારે વ્હાઇટ હાઉસ ખાતે સુરક્ષા અને કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે તેઓ મુલાકાત કરશે.

ગોળી વાગ્યા બાદ ટ્રમ્પે શું કહ્યું?
ટ્રમ્પે કહ્યું કે પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા અને ગોળી તેમના જમણા કાનના ઉપરના ભાગમાંથી પસાર થઈ હતી. 78 વર્ષીય ટ્રમ્પે તેમનો જીવ બચાવવા માટે યુએસ સિક્રેટ સર્વિસનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “હું યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ અને તમામ કાયદા અમલીકરણ એજન્સીઓનો આભાર માનું છું જેમણે બટલર, પેન્સિલવેનિયામાં બનેલી ઘટના પર તરત જ પ્રતિક્રિયા આપી.”

Most Popular

To Top