અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ (Firing) થયું છે. તેઓના જમણા કાન પર ગોળી વાગી છે પરંતુ તે સુરક્ષિત છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. આ ઘટના ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 4 વાગ્યે બની હતી. ત્યારે અમેરિકામાં શનિવારે સાંજે લગભગ 6.30 વાગ્યા હતા. ટ્રમ્પ અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના બટલર શહેરમાં ચૂંટણી રેલી કરી રહ્યા હતા દરમિયાન તેમની ઉપર ફાયરિંગ થયું હતું.
આ રીતે બની સમગ્ર ઘટના
ટ્રમ્પ સ્ટેજ પર આવ્યા અને બોલવા લાગ્યા – ‘શું થયું તે જુઓ’… અને ફાયરિંગના અવાજ આવવા લાગ્યા. ત્યાં ચીસો સંભળાવવા લાગે છે, ટ્રમ્પ ચોંકી જાય છે અને પોતાના જમણા કાન પર હાથ મૂકીને નમી જાય છે. દરમિયાન, સુરક્ષા ગાર્ડ એક વર્તુળ બનાવે છે. ટ્રમ્પ ઉભા છે, તેમના કાન અને ચહેરા પર લોહી છે, આ પરિસ્થિતિમાં તે જમણી હાથની મુઠ્ઠીને મજબૂત કરી કંઈક કહેવાનો પ્રયાસ કરે છે. પછી ગાર્ડ તેમને ઘેરી લે છે અને કારમાં લઈ ત્યાંથી નિકળી જાય છે.
ફાયરિંગમાં રેલીમાં હાજર એક વ્યક્તિનું મોત થયું છે. 2 ગંભીર રીતે ઘાયલ છે. પેન્સિલવેનિયા પોલીસે જણાવ્યું કે ટ્રમ્પને લગભગ 400 ફૂટ દૂર બિલ્ડિંગની છત પરથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. AR-15 રાઈફલમાંથી 8 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં 3 ગોળીઓ અને બીજા રાઉન્ડમાં 5 ગોળીઓ ચલાવવામાં આવી હતી. પોલીસે કહ્યું કે શંકાસ્પદ શૂટર માર્યો ગયો છે. તેની ઉંમર 20 વર્ષની હતી. હુમલા પાછળનો હેતુ હજુ જાણી શકાયો નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં ઊભા રહીને ભાષણ આપી રહ્યા હતા તેની બરાબર પાછળ એક બે માળનું (કંપનીના વેરહાઉસ જેવું) મકાન હતું, જેના પર યુએસ સિક્રેટ સર્વિસની કાઉન્ટર-સ્નાઈપર ટીમ તૈનાત હતી. હુમલાખોરે ગોળીબાર કરતાની સાથે જ કાઉન્ટર-સ્નાઈપર ટીમ સક્રિય થઈ ગઈ અને લગભગ 200 મીટર દૂરથી જ જવાબી કાર્યવાહી કરી અને તેને મારી નાખ્યો. જે બિલ્ડીંગમાં હુમલાખોરનો મૃતદેહ મળ્યો તે એજીઆર ઇન્ટરનેશનલ કંપનીની છે. આ કંપની કાચ અને પ્લાસ્ટિક પેકેજિંગ ઉદ્યોગ માટે સ્વચાલિત સાધનો બનાવે છે.
હુમલાખોર ટ્રમ્પની પોતાની પાર્ટીનો – એફબીઆઈ
પોલીસે જણાવ્યું કે ટ્રમ્પ પર ફાયરિંગ કરનાર વ્યક્તિનું નામ મેથ્યુ ક્રૂક્સ છે. 20 વર્ષના ક્રૂક્સનો ફોટો-વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે હજુ સુધી અમેરિકન પોલીસ કે એફબીઆઈએ આ ફોટો-વિડિયોની પુષ્ટિ કરી નથી. અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ કહ્યું છે કે હુમલાખોર થોમસ મેથ્યુ ક્રૂક્સનું વોટર આઈડી કાર્ડ બતાવે છે કે તે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનો હતો. જો કે તેણે બિડેનની ડેમોક્રેટિક પાર્ટી સાથે સંકળાયેલા જૂથને 15 ડોલર એટલે કે 1250 રૂપિયા પણ દાનમાં આપ્યા હતા.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર 52 વર્ષ બાદ હુમલો
અમેરિકામાં 52 વર્ષ બાદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર હુમલો થયો છે. અગાઉ 1972માં જ્યોર્જ સી વોલેસને ગોળી મારી દેવામાં આવી હતી. તેઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ હતા. તેમને એક શોપિંગ સેન્ટરમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ પછી તેઓ મૃત્યુ સુધી વ્હીલ ચેરમાં જ રહ્યા. અગાઉ 1972માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીના ભાઈ રોબર્ટ એફ કેનેડી પર હુમલો થયો હતો. તેઓ લોસ એન્જલસમાં ચૂંટણી પ્રચારમાંથી પરત ફરી રહ્યા હતા.