Sports

IND VS AUS : ત્રીજી ટેસ્ટમાં રમેલા આ પાંચ ખેલાડીઓ ચોથી ટેસ્ટમાં નહીં રમે તેવી શક્યતા, જાણો કેમ

ઓસ્ટ્રેલિયા પ્રવાસની ચોથી અને અંતિમ ટેસ્ટ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાવાની છે ત્યારે ભારતીય ટીમના જસપ્રીત બુમરાહ તેમજ મયંક અગ્રવાલ પણ ઘાયલોની યાદીમાં સામેલ થઇ ગયા છે. તો વળી રવિચંદ્રન અશ્વિન પણ પીઠ જકડાઇ જવાની સમસ્યાથી પીડાઇ રહ્યો છે. આ સ્થિતિમાં અંતિમ ટેસ્ટ માટે ફુલ્લી ફિટ 11 ખેલાડીઓ ભેગા કરવાની ટીમ મેનેજમેન્ટ સામે મોટી સમસ્યા ઊભી થઇ છે.

ટીમ માટે મુશ્કેલી એ ઊભી થઇ છે કે સ્ટ્રાઇક બોલર જસપ્રીત બુમરાહના પે્ટના સ્નાયુ ખેંચાઇ જવાના કારણે ચોથી ટેસ્ટમાંથી તે આઉટ થઇ ગયો છે. તો વળી ત્રીજી ટેસ્ટમાં હેમસ્ટ્રીંગ ઇન્જરી છતાં ચાર કલાક સુધી ઓસ્ટ્રેલિયન આક્રમણ સામે ઝીંક ઝીલનાર હનુમા વિહારીનો વિકલ્પ ગણાતા મયંક અગ્રવાલને નેટ પ્રેક્ટિસ દરમિયાન હાથમાં ઇજા થઇ છે અને તેને હેરલાઇન ફ્રેકચર થયું હોવાનું માનવામાં આવે છે. સિડની ટેસ્ટમાં સાડા ત્રણ કલાક સુધી બેટિંગ કરનારા અશ્વિનની સમસ્યા પણ વધી ગઇ છે અને તેના કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટ પાસે વધુ વિકલ્પો બચ્યા નથી.

ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ટીમમાંથી અત્યાર સુધીમાં કુલ 9 ખેલાડી ઘાયલ થયા છે અને તેમાંથી હાલમાં હાજર ભારતીય ટીમના ખેલાડીઓમાંથી ઘાયલ કે થોડા અનફીટ ખેલાડીઓની યાદી પર ધ્યાન આપવામાં આવે તો તેમાં એવા પાંચ ખેલાડીઓ છે કે જે ત્રીજી ટેસ્ટ રમ્યા હતા અથવા તો બારમા ખેલાડી તરીકે ટીમમાં સામેલ હતા.

રવિન્દ્ર જાડેજા : ભારતીય ટીમના બોલિંગ ઓલરાઉન્ડર જાડેજાને સિડની ટેસ્ટમાં મિચેલ સ્ટાર્કનો શોર્ટ બોલનો સામનો કરતાં ડાબા હાથના અંગુઠામાં ઇજા થઇ હતી. સ્કેનમાં એવી માહિતી મળી હતી કે તેના અંગુઠામાં ફ્રેક્ચર થયું છે અને તેના કારણે તે ક્રિકેટથી થોડા મહિના દૂર રહેશે. તે ચોથી ટેસ્ટમાં તો નહીં જ રમી શકે પણ સાથે જ ઇંગ્લેન્ડ સામેની ઘરઆંગણેની સીરિઝ પણ રમી નહીં શકે.

ઋષભ પંત : સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમના પહેલા દાવમાં વિકેટકીપર બેટ્સમેન પંતને પેટ કમિન્સનો બોલ ડાબા હાથની કોણીમાં વાગ્યો હતો અને તેના કારણે પંત બીજી ઇનિંગમાં વિકેટકીપીંગ પણ ન કરી શક્યો. સારી વાત એ રહી હતી તેને ફ્રેક્ચર થયું નથી અને તે પેઇન કિલર દવાઓ લઇને બીજા દાવમાં બેટિંગ કરવા ઉતર્યો હતો. એવું માનવામાં આવે છે કે તે બ્રિસ્બેન ટેસ્ટમાં રમશે.

રવિચંદ્રન અશ્વિન : ઓસ્ટ્રેલિયા સામેની હાલની સીરિઝમાં 134 કરતાં વધુ ઓવરો ફેંકી ચુકેલા અશ્વિનને પીઠ જકડાઇ જવાની સમસ્યા છે. તે પોતાની આ ઇજાને કારણે સિડની ટેસ્ટના છેલ્લા દિવસની આગલી રાત્રે સુઇ શક્યો નહોતો. તેમાં વળી અંતિમ દિવસે સાડા ત્રણ કલાક બેટિંગ કરી અને તેમાં તેની ઇજા વકરી ગઇ છે. જો કે એવું માનવામાં આવે છે કે અશ્વિન બ્રિસ્બેન ટેસ્ટમાં રમશે.

મયંક અગ્રવાલ : પહેલી બે ટેસ્ટમાં ઓપનર તરીકે મેદાને ઉતરીને નિષ્ફળ રહેલા અગ્રવાલને સિડની ટેસ્ટ માટેની અંતિમ ઇલેવનમાં સામેલ કરાયો નહોતો. હવે જ્યારે હનુમા વિહારી ઘાયલ થયો છે ત્યારે ચોથી ટેસ્ટમાં તેનું રમવાનું નક્કી મનાતુ હતું પણ નેટ પ્રેક્ટિસ દરમિયાન તેને હાથમાં ઇજા થઇ છે. તેને હેરલાઇન ફ્રેક્ચર થયું છે કે નહીં તે સ્કેન રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે. જો કે ઇજા ગંભીર નહીં હોય તો તે ચોથી ટેસ્ટ રમશે.

જસપ્રીત બુમરાહ : ભારતીય ટીમના ઝડપી બોલિંગ આક્રમણમાં અનુભવી સ્ટ્રાઇક બોલર તરીકે એકમાત્ર બાકી રહેલા જસપ્રીત બુમરાહને સિડની ટેસ્ટના ત્રીજા દિવસે પેટના સ્નાયુ ખેંચાઇ જવાની ઇજા થઇ હતી. ઇજાને કારણે તે પોતાનો સ્પેલ નાંખવા આવી શક્યો નહોતો. હવે ઇંગ્લેન્ડના આગામી પ્રવાસને ધ્યાને લેતા તેને ચોથી ટેસ્ટમાં રમાડવાનું જોખમ ટીમ મેનેજમેન્ટ લેવા માગતું નથી.

હનુમા વિહારી : સિડની ટેસ્ટમાં અંતિમ દિવસે ચાર કલાક સુધી ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણ સામે ટકી રહેલા હનુમા વિહારીને આ દરમિયાન હેમસ્ટ્રીંગ ઇન્જરી થઇ હતી. જો કે તે છતાં તેણે ટેસ્ટ ડ્રોમાં લઇ જવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને ગ્રેડ ટુની હેમસ્ટ્રીંગ ઇન્જરી થઇ છે અને તે માત્ર બ્રિસ્બેનમાં રમાનારી ચોથી ટેસ્ટ જ નહીં પણ ઇંગ્લેન્ડ સામેની ઘરઆંગણે રમાનારી સીરિઝ પણ આ ઇજાને કારણે ગુમાવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top