નવસારી, (ગણદેવી) : (Navsari) કોરોના કાળમાં ત્રણ મહિના સુધી શાકભાજી માર્કેટ (Vegetable Market) બંધ થવા છતાં તેનું ભાડું વસુલ કરવાના નિર્દયી નિર્ણય અને હવે ખાસ વેચાણ વેચાણ થતું નહી હોવાથી ભાડું ઘટાડવાની માંગ ઉપર ગણદેવી નગરપાલિકાએ વારંવાર રજુઆત કરવા છતાં કોઇ માફી નહીં આપતાં મંગળવાર તા. 12 જાન્યુઆરીથી અચોક્કસ મુદત સુધી માર્કેટ બંધ કરાશે. ગણદેવી શાકભાજી માર્કેટ નવી બનાવ્યા બાદ ગણદેવી પાલિકાએ બહાર કોઇને શાકભાજી વેચવા નહીં દેવાય એવી ચીમકી સાથે માર્કેટમાં દુકાનની હરાજી કરી હતી. એ વખતે દુકાનની અંદાજે લાખેક રૂપિયાની હરાજીમાં આવક ગણદેવી પાલિકાએ મેળવી હતી. એ બાદ પણ ઊંચું ભાડું પાલિકા વસુલ કરતી આવી છે. દરરોજ 30 રૂપિયાનું ભાડું વસુલ થાય છે અને હવે દર બે વર્ષે 10 ટકાના ભાડા વધારાની માંગણી થઈ છે.
2020ના વર્ષમાં કોરોનાને કારણે ત્રણ મહિના સુધી માર્કેટ બંધ રહી હોવા છતાં પાલિકાએ ભાડામાં કોઇ માફી આપી નથી. એ ઉપરાંત હવે 10 ટકાના ભાડા વધારા સાથે નોટીસ આપવામાં આવી રહી છે. હવે વેપાર ઓછો થઇ રહ્યો છે, ત્યારે ભાડુ ઘટાડવા માટે માંગણી થઇ છે. દુકાનધારકોએ ચીફ ઓફિસરને એ અંગે રજુઆત કરવા છતાં કોઇ ઉકેલ નીકળ્યો નથી, ત્યારે હવે મંગળવારથી પોતાના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી શાકભાજી માર્કેટ બંધ રાખવાનું એલાન કરાયું છે.
માર્કેટની હરાજી કરનારી પાલિકાએ મટન માર્કેટ હરાજી વિના જ ઉપયોગ માટે આપી દીધી !
શાકભાજી માર્કેટની હરાજી કરનારા ગણદેવી પાલિકાએ કોઇ પણ જાતની હરાજી કર્યા વિના મટન માર્કેટનો ઉપયોગ થવા દીધો છે, ત્યારે આ ભેદભાવ શા માટે રખાયો છે, એ સવાલ છે. શાકભાજી માર્કેટ પણ સરકારી ગ્રાટમાંથી બની છે, તો મટન માર્કેટ પણ સરકારી ગ્રાટમાંથી બની છે, છતાં શાકભાજી માર્કેટની હરાજી કરનારી પાલિકા મટન માર્કેટમાં હરાજી કરી શકી નથી. ઉપરાંત મચ્છી માર્કેટની હરાજી પણ થઇ શકી નથી, આ સંજોગોમાં ફક્ત શાકભાજી માર્કેટમાં જ દુકાનોની હરાજી કરી ભેદભાવ કેમ કરાયો છે, એ પ્રશ્ન ચૌરેને ચોટે ચર્ચાઇ રહ્યો છે. હવે જ્યારે પાલિકાની ચૂંટણી આવતા મહિને આવી રહી છે, ત્યારે આ પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
માંગણી નહી સંતોષાય ત્યાં સુધી બજાર બંધ રાખીશું : ધનસુખભાઇ ગાંધી
ગણદેવીના વેપારી ધનસુખભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાડું ઘટાડવાની માંગણીને લઈ આજે બધા વેપારીઓ બજાર બંધ કરી ભેગા થયા હતા. અને જ્યાં સુધી માંગણી નહી સંતોષાય ત્યાં સુધી બજાર બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.