Comments

IAS પૂજા ખેડકર આજના કાળના સનદી અધિકારીનું વરવું ઉદાહરણ છે

અંગ્રેજોએ ભારતને કાયમ ગુલામ રાખવા માટે અને ભારતની પ્રજા પર રાજ કરે તેવો વફાદાર વર્ગ ઊભો કરવા માટે ઇન્ડિયન સિવિલ સર્વિસની સ્થાપના કરી હતી. બ્રિટીશ રાજમાં આઇસીએસ થયેલા ભારતીય તેજસ્વી વિદ્યાર્થીઓની નિમણૂક કલેક્ટર જેવા વગદાર હોદ્દાઓ ઉપર કરવામાં આવતી હતી, જેઓ અંગ્રેજોની ભક્તિ કરવામાં ધન્યતા સમજતા હતા. ભારત આઝાદ થયું તે પછી ઇન્ડિયન સિવિલ સર્વિસ (ICS) નું નામ બદલીને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ  (IAS) કરવામાં આવ્યું, પણ તેના ઢાંચામાં ખાસ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

યુપીએસસીની પરીક્ષા પાસ થઈને સનદી અધિકારી બનતાં વિદ્યાર્થીઓ હવે બ્રિટીશરોને બદલે ભારતનાં રાજકારણીઓના દલાલ બની રહે છે અને પ્રજાને લૂંટવાનું કામ કરે છે. હકીકતમાં ભારતમાં નેતાઓ કરતાં વધુ સત્તાઓ સનદી અમલદારો પાસે હોય છે. નેતાઓનો કાર્યકાળ તો પાંચ વર્ષ સુધીનો હોય છે, જ્યારે અમલદારો નિવૃત્ત થાય ત્યાં સુધી સત્તા ભોગવે છે. રાજકારણીઓ દ્વારા જે કોઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવે તેમાં તેમનો અચૂક ભાગ હોય છે. હકીકતમાં અમલદારોના સાથ વિના કોઈ નેતા ભ્રષ્ટાચાર આચરી શકતા નથી. આ કારણે જ ઘણા સરકારી અમલદારોને ત્યાં દરોડા પાડવામાં આવે ત્યારે કરોડો રૂપિયાનું કાળું ધન પકડાય છે.

પુણે સ્થિત ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરનું નામ અત્યારે ચર્ચામાં છે. પૂજા ખેડકરને તેના પદનો દુરુપયોગ કરવાના આરોપોને પગલે પુણેથી મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. પૂજા ખેડકરને લઈને ઘણા નવા ખુલાસા સામે આવી રહ્યા છે, જેમાં એક માહિતી સામે આવી છે કે તેની પાસે અપાર સંપત્તિ છે. એવું જાણવા મળ્યું છે કે પૂજા ખેડકરની વાર્ષિક આવક ૪૨ લાખ રૂપિયા છે. તેની પાસે ૨૨ કરોડથી વધુની સંપત્તિ છે. પૂજા ખેડકર પ્રોબેશન દરમિયાન ગેરકાયદેસર માગણી કરવાને કારણે વિવાદમાં ફસાયેલી છે. જો કે ખેડકર પરિવારનો આ પહેલો કિસ્સો નથી. પૂજાના પિતા ભૂતપૂર્વ સરકારી કર્મચારી દિલીપ ખેડકર પર પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પૂજા ખેડકર નવી પેઢીના સરકારી અમલદારનો નમૂનો છે.

પૂજા ખેડકરે ૨૦૨૨માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. આ પરીક્ષામાં તેનો અખિલ ભારતીય રેન્ક ૮૨૧ હતો. તેણે પોતાને ખોટી રીતે વિકલાંગ જાહેર કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે. તેની વિરુદ્ધમાં કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. પૂજા દલીલ કરે છે કે SC/ST ઉમેદવારો કરતાં વિકલાંગ ઉમેદવારોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર ભૂતપૂર્વ સનદી અધિકારી છે. તેમનું પૈતૃક ગામ નગર જિલ્લાના પાથરડી તાલુકાનું ભાલગાંવ છે.

દીપિલ ખેડકરે મિકેનિકલમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ખેડકરે નિવૃત્તિ પછી રાજકારણમાં નસીબ અજમાવ્યું. તેઓ વંચિત બહુજન અઘાડી તરફથી અહમદનગર લોકસભા ચૂંટણી લડ્યા હતા. લોકસભા ચૂંટણીમાં તેમને ૧૩ હજાર ૭૪૯ વોટ મળ્યા હતા. દિલીપ ખેડકરે તેમની ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યું કે તેમની પાસે ૪૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. એક સનદી અધિકારી આટલી બધી સંપત્તિ કેવી રીતે ધરાવી શકે તેના પર રાજકીય ચર્ચાઓ શરૂ થઈ હતી.

દિલીપ ખેડકરની પત્ની ડો. મનોરમા ખેડકરના પિતા જગન્નાથ બુધવંત પણ સનદી અધિકારી હતા. તેમની કારકિર્દી પણ વિવાદાસ્પદ હતી. તેમને પણ એક વખત સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. દિલીપ ખેડકરને બે બાળકો છે, પીયૂષ ખેડકર અને ડૉ. પૂજા ખેડકર. પીયૂષ ખેડકર લંડનમાં અભ્યાસ કરે છે. દિલીપ ખેડકરે કહ્યું હતું કે જો તેમને ચૂંટણીમાં ટિકિટ મળશે તો તેઓ દેવીને દોઢ કિલો વજનનો ચાંદીનો મુગટ અર્પણ કરશે. ખાસ વાત એ છે કે તેમણે પોતાનું વચન પાળ્યું અને તે વચન પૂરું પણ કર્યું.

IAS માટે પસંદગી થયા બાદ પૂજાએ બે તબક્કામાં તાલીમ લીધી. પ્રથમ તાલીમ લાલ બહાદુર રાષ્ટ્રીય તાલીમ સંસ્થાન, મસૂરી ખાતે થઈ હતી. આ પછી પૂજા પુણે જિલ્લામાં પ્રોબેશન સમયગાળા દરમિયાન એડીએમ તરીકે નિયુક્ત થઈ હતી. અગાઉ તેના પર આરોપ હતો કે તેણે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને VIP નંબર પ્લેટ માંગી હતી. આ પછી તેણે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલી ખાનગી ઓડી કાર પર લાલ બત્તી લગાવી હતી.

આટલું જ નહીં તેના દ્વારા પુણે કલેક્ટરની ખાનગી ચેમ્બર પણ છીનવી લેવામાં આવી હતી. આ બધા સિવાય હવે નવી ચોંકાવનારી માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂજા ખેડકરે IASમાં જોડાવા માટે તેનું નકલી વિકલાંગતા પ્રમાણપત્ર બનાવ્યું હતું. આ ઘટસ્ફોટ બાદ મહારાષ્ટ્રની અમલદારશાહીના કોરિડોરમાં ખળભળાટ મચી ગયો છે. તાલીમ દરમિયાન તે વહીવટીતંત્રની કામગીરીને વધુ સારી રીતે સમજે અને તેને લગતી અન્ય બાબતો શીખે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. પરંતુ તેના પર સામેલ થતાં પહેલાં જ ગેરવાજબી માંગણી કરવાનો આરોપ છે.

આ સમય દરમિયાન તે કલેક્ટર, નિવાસી કલેક્ટર અને અન્ય અધિકારીઓ સાથે બેસીને ચર્ચા કરે અને કામ કેવી રીતે થાય છે તેની માહિતી અને અનુભવ મેળવે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. પુણેનાં નિવાસી સબ-કલેક્ટર જ્યોતિ કદમ એક મહિલા હોવાથી, પૂજા ખેડકરને ૪ જૂને મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કદમની કેબિનમાં બેસીને અનુભવ મેળવવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે આ સૂચનને પણ ફગાવી દીધું હતું અને બીજા દિવસે જ એક અલગ રૂમની માંગણી કરી હતી. પુણે કલેક્ટર કચેરીની કુલકિડા શાખાના ચોથા માળે પૂજા ખેડકર માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તેણે તે બેઠક વ્યવસ્થાને ફગાવી દીધી હતી.

આ પછી પૂજા ખેડકરે તેના પિતા દિલીપ ખેડકર સાથે પુણે કલેક્ટર ઓફિસ બિલ્ડિંગમાં જરૂરી કેબિન શોધવાનું શરૂ કર્યું. પુણેના એડિશનલ કલેક્ટર અજય મોરે ૧૮ થી ૨૦ જૂન વચ્ચે સરકારી કામ માટે મુંબઈ ગયા હતા. તે સમયે પૂજા ખેડકરે અજય મોરેની સામેના રૂમમાંથી ટેબલ, ખુરશીઓ અને સોફા હટાવીને તે રૂમ પર કબજો કરી લીધો હતો અને પોતાના માટે ટેબલ, ખુરશીઓ અને ફર્નિચર ગોઠવી દીધાં હતાં. આ અંગે અધિક કલેકટર અજય મોરેએ કલેકટર સુહાસ દિવાસને ફરિયાદ કરી હતી. આ પછી તેઓએ પૂજા ખેડકર દ્વારા રાખવામાં આવેલું ફર્નિચર બહાર કાઢવાનું નક્કી કર્યું, પરંતુ પૂજાએ કલેક્ટરને મેસેજ કર્યો કે જો તમે આવું કરશો તો મારું અપમાન થશે. આ સમયગાળા દરમિયાન પૂજા તેની એમ્બર લાઈટ ઓડી કારમાં જ આવતી હતી.

પૂજા ખેડકરે વર્ષ ૨૦૧૯માં જનરલ કેટેગરી હેઠળ UPSC સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી, જેમાં ઓછા માર્કસને કારણે તે IASની પોસ્ટ માટે પસંદ થઈ શકી ન હતી. તેણે ફરી વિકલાંગ કેટેગરીમાં યુપીએસસીની પરીક્ષા આપી, જેમાં તેને સફળતા મળી, પરંતુ તેને ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી નિમણૂકપત્ર આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ પછી તેણે કોર્ટમાં કેસ દાખલ કર્યો અને દાવો કર્યો કે તે દૃષ્ટિહીન અને માનસિક રીતે બીમાર છે.

વર્ષ ૨૦૨૩માં તે આખરે ડિસેબિલિટી રાઈટ્સ એક્ટ હેઠળ કોર્ટમાં તેની વિકલાંગતા સાબિત કરીને નિમણૂકપત્ર મેળવવામાં સફળ રહી હતી. પૂજા ખેડકરની ૨૨ કરોડ રૂપિયાની નેટવર્થની જે વિગતો બહાર આવી છે તેનાથી દરેકને આશ્ચર્ય થયું છે. પૂજા પાસે ૨૨ કરોડ રૂપિયાની સંપત્તિ છે, પણ તેની વાર્ષિક આવક ૪૨ લાખ રૂપિયા છે. પૂજા ખેડકરે ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ સેવામાં જોડાતાં પહેલાં સરકારને સબમિટ કરેલાં નાણાંકીય ડિસ્ક્લોઝર્સમાં ૪૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક પણ નોંધાવી છે. પૂજા ખેડકર સાત સ્થાવર મિલકતોની માલિકી ધરાવે છે, જેમાં ત્રણ પ્લોટ, જમીનના ત્રણ ટુકડા અને એક ફ્લેટનો સમાવેશ થાય છે, જે પુણે અને અહમદનગર જિલ્લામાં છે.          
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top