Sports

ભારત-શ્રીલંકા સિરીઝનું શેડ્યૂલ જાહેરઃ 26 જુલાઈના રોજ રમાશે પ્રથમ T20 મેચ

ભારતનો શ્રીલંકા (India Srilanka) પ્રવાસ 26 જુલાઈથી શરૂ થશે. ગુરુવારે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે 3 ODI અને 3 T20 મેચોની શ્રેણીનું શેડ્યૂલ જાહેર કર્યું. પ્રવાસ પહેલા શ્રીલંકાના T-20 કેપ્ટન વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. આ પ્રવાસ ભારતીય ટીમના (Team India) નવનિયુક્ત મુખ્ય કોચ ગૌતમ ગંભીરનું પ્રથમ એસાઈનમેન્ટ હશે. આ ઉપરાંત શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન સનથ જયસૂર્યા પણ આ પ્રવાસથી પોતાની આંતરરાષ્ટ્રીય કોચિંગ કારકિર્દીની શરૂઆત કરશે. શેડ્યૂલ મુજબ T20 શ્રેણીની પ્રથમ મેચ 26 જુલાઈના રોજ સાંજે 7:00 વાગ્યે પલ્લેકેલેમાં રમાશે. કોલંબોમાં 1 ઓગસ્ટથી વનડે શ્રેણી શરૂ થશે. જોકે હજી આ પ્રવાસ માટે બંને ટીમોની જાહેરાત કરવામાં આવી નથી.

ભારતીય કોચ ગંભીરનો આ પહેલો અસાઈનમેન્ટ
ગૌતમ ગંભીર 2 દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બન્યો હતો. ભારતીય કોચ તરીકે ગંભીરની આ પહેલી સોંપણી હશે. 42 વર્ષના ગંભીરે ધ વોલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડનું સ્થાન લીધું છે. T20 વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કાર્યકાળ ખતમ થઈ ગયો. ગંભીરનો કાર્યકાળ જુલાઈ 2027 સુધી ચાલશે.

રોહિત શર્માની નિવૃત્તિ પછી ભારતના T20 કેપ્ટનની પસંદગી હજુ બાકી છે. આ જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી શકે છે. તે T-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન હતો. આ પ્રવાસમાં વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ વનડેમાં ટીમનું નેતૃત્વ કરતો જોવા મળી શકે છે. 29 જૂને વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડિયા હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે, જ્યાં પસંદગીકારોએ શુભમન ગિલની કેપ્ટન્સીમાં યુવા ટીમ મોકલી છે. આ પ્રવાસમાંથી સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

હું એક ખેલાડી તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ- હસરંગા
બીજી તરફ રાજીનામુ આપનાર વાનિંદુ હસરંગાએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને આપેલા રાજીનામાના પત્રમાં કહ્યું કે ‘એક ખેલાડી તરીકે હું હંમેશા શ્રીલંકા માટે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. હંમેશની જેમ, હું મારી ટીમ અને નેતૃત્વને સમર્થન આપીશ. જણાવી દઈએ કે હસરંગા એક દિવસ પહેલા ICC ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર 1 બન્યો હતો.

Most Popular

To Top