ભરૂચ: ‘દીકરી’ પોતાના પિતા માટે લાગણીનો દરિયો હોય છે. જીવનભર પિતાને વ્હાલ આપતી દિકરી પિતાના મૃત્યુ પછી પણ તેની કૃતજ્ઞ બનીને રહે છે. ઝાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા આધેડવયના પથારીવશ પિતાનું અવસાન થતા બે દીકરીઓએ પોતાના પિતાને અગ્નિદાહ આપી આ વાત સાબિત કરી હતી. પરિવારમાં શોકમગ્ન ઘટના બનતા જ જાણે દીકરાની ગરજ સારે એવી દીકરીઓએ પિતાની અર્થીને કાંધ આપ્યો હતો અને તેમના દાહસંસ્કાર કર્યા હતા.
ઝાડેશ્વર એક ફળિયામાં અંતિમવિધિ વખતે લોકોને ચિંતા હતી કે વયોવૃદ્ધ પ્રમોદભાઈ પટેલનું મૃત્યુ થતા દીકરો ન હોવાથી અગ્નિદાહ કોણ આપશે.? પરંતુ તેમની દીકરીઓએ પિતા માટે વ્હાલનો દરિયો બનીને પિતાને તેમના અંતિમ સફર પર વિદાય કર્યા. ઝાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા ૭૫ વર્ષીય અને સાત વર્ષથી વધુ સમયથી પથારીવશ પ્રમોદભાઈ પટેલનો પરિવાર સામાન્ય જીવનધોરણ વ્યતીત કરે છે. મૂળ તો બીમારી પહેલા પ્રમોદભાઈ પટેલ હરહંમેશ હસતા ચહેરે જીવતા હતા. કોઈને તકલીફ હોય તો ક્યારેક પ્રમોદભાઈ મળી જાય તો સ્મિત લહેરાવીને હિંમત આપતા હોવાથી તેમનું મન જીતવાની તાકાત હતી. જો કે બીમારીને કારણે પથાવીવશ થતા પત્ની જ્યોતિબેને રાત-દિવસ સેવા કરી હતી. સાથે જ બે દીકરીઓ અને જમાઈ પણ પોતાના ઘર સંસારમાં વ્યસ્ત હોવા છતાં પણ પથારીવશ પ્રમોદભાઈની કાળજી રાખતા હતા.
ગુરૂવારે સવારે પ્રમોદભાઈ પટેલનું નિધન થતા જ ઝાડેશ્વર ખાતે રહેતી બંને દીકરીઓ નિવાસસ્થાને આવી ગઈ હતી. બાપનું બંને દીકરીએ મોઢું જોતા હૈયાફાટ રૂદન કરી રહી હતી. પિતાને અંતિમ વિદાય આપવાની હતી એ વખતે પોતાના પિતાની અર્થીને કોણ અગ્નિદાહ આપશે એવી પરિજનોની ચિંતાનું સમાધાન કરતા બંને દીકરીઓએ કાંધ આપીને સ્મશાનભૂમિ જઈ પિતા પ્રમોદભાઈને અગ્નિદાહ આપ્યો હતો. બન્ને દીકરીઓ જૈમીનીબેન અને બિરલબેને એવો નિર્ણય કર્યો હતો કે પોતાના પિતાને તે પોતે જ અગ્નિદાહ આપશે. આ રીતે આ બે દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપીને સમાજમાં વારસદાર તરીકે દિકરાને ઝંખતા માતા-પિતાને ખૂબ મોટો સંદેશ આપ્યો છે.