નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલીઓ ઘટવાનું નામ જ નથી લઇ રહી, અગાઉ દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે તેમને જામીન (Bail) આપ્યા હતા. પરંતુ ઇડીએ આ જામીન રદ્દ કરવા માટે હાઇ કોર્ટને અપીલ કરી હતી. ત્યારે કેજરીવાલના વકીલ હાઇકોર્ટના ચુકાદા પહેલા જ આગોતરા પગલા સ્વરૂપે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. પરંતુ સુપ્રીમે કેજરીવાલની આ અરજી ફગાવી દીધી હતી અને હાઇકોર્ટના ચુકાદા બાદ જ કોઇ પગલા લેવા જણાવ્યું હતું.
અગાઉ સુપ્રીમ કોર્ટમાં આવેલા ચુકાદા બાદ અરવિંદ કેજરીવાલે સુપ્રીમ સમક્ષ બે માંગ મુકી હતી. જે સુપ્રીમે સ્વીકારી હતી. તેમજ કેજરવાલની આ માંગણી હેઠળ જ તેમની પત્ની સુનીતા કેજરીવાલને અરવિંદ કેજરીવાલના ડોક્ટરો સાથે વાતચીત કરવાની અને કેજરીવાલની ડાયટને ફોલો કરવાની મંજુરી મળી હતી. ત્યારે આજે એટલે કે 10 જુલાઇના રોજ કેજરીવાલની આ જામીન અરજી ઉપર ચુકાદો થવાનો હતો. જે હવે મોકુફ રાખવામાં આવ્યો છે. તેમજ આ સુનાવણીની હવે પછીની તારીખ પાંચ દિવસ બાદ એટલે કે 15 જુલાઇ આપવામાં આવી છે. હવે, દિલ્હીના મુખ્યમંત્રીએ વધુ પાંચ દિવસ તિહાર જેલમાં બંધ રહેવું પડશે અને ચુકાદાની રાહ જોવી પડશે.
EDએ કોર્ટમાં શું કહ્યું?
EDએ કેજરીવાલના જવાબ અંગે પોતાનો જવાબ દાખલ કરવા માટે હાઇકોર્ટ પાસે સમય માંગ્યો હતો. EDએ કહ્યું કે તેમને મોડી રાત્રે કેજરીવાલના જવાબની કોપી મળી હતી. ત્યારે કેજરીવાલના વકીલે આ દલીલનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે ગઈ કાલે બપોરે 1 વાગ્યે તપાસ અધિકારીને જવાબની નકલ સોંપી હતી. ત્યારે ED વતી કોર્ટમાં હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે કેજરીવાલના વકીલોએ તેમને રાત્રે 11 વાગ્યે તેમના જવાબની નકલ આપી. જેથી ઇડી અરવિંદ કેજરીવાલના જવાબોની કોપીનો જવાબ આપવા માંગે છે અને આ કારણે તપાસ એજન્સીને સમય જોઇયે છે.
કેજરીવાલના વકીલની દલીલ?
અરવિંદ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ દાવાને પડકાર્યો હતો અને કહ્યું હતું કે તેમણે ગઈ કાલે બપોરે 1 વાગ્યે તપાસ અધિકારીને જવાબની નકલ આપી હતી. સિંઘવીએ કહ્યું કે આ મામલે ઘણી તાકીદ છે અને તેઓ વળતો જવાબ આપવા માટે તૈયાર છે અને જવાબ આપ્યા વગર જ આ મામલે ચર્ચા કરશે. પરંતુ જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ કેસની સુનાવણી 15 જુલાઈ સુધી ટાળી દીધી હતી.