નવી દિલ્હી: ઓડિશાના (Odisha) પુરીમાં જગન્નાથની (Puri Jagannath) રથયાત્રાની જોર શોરથી ઉજવણી કરવામાં આવી હતી છે. ત્યારે ગઇકાલે મંગળવારે રથયાત્રા ઉત્સવ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. વાસ્તવમાં યાત્રા દરમિયાન ભગવાન બલભદ્રની (Lord Balabhadra) મૂર્તિને રથમાં ગુડીંચા મંદિર લઈ જતી વખતે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં જગન્નાથ મંદિરના નવ સેવકો ઘાયલ થયા હતા.
અકસ્માતની જાણકારી પુરી જગન્નાથના મંદિર અધિકારીઓએ આપી હતી કે જેમાં ભગવાન શ્રી જગન્નાથના ભાઇ ભગવાન બલભદ્રની મુર્તિ રથમાંથી ઉતારતી વખતે આ મૂર્તી મંદિર સેવાકો ઉપર પડી હતી. જેમાં નવ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે પુરીના કલેક્ટર સિદ્ધાર્થ શંકર સ્વૈને જણાવ્યું હતું કે નવ ઘાયલોમાંથી પાંચને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ચારને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ અકસ્માત રાત્રે 9 વાગ્યા બાદ થયો હતો જ્યારે ભગવાન બલભદ્રની મૂર્તિને ગુંડીચા મંદિરમાં લઈ જવા માટે રથમાંથી નીચે ઉતારવામાં આવી રહી હતી.
ભગવાનને આખા વિસ્તારમાં પરિક્રમા કરાવવાની આ પ્રક્રિયાને ‘પહાંડી’ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે અકસ્માત બાદ કહેવામાં આવી રહ્યું છે કે મૂર્તિ લઈને જઈ રહેલા લોકોનું અચાનક સંતુલન ખોવાઈ ગયું હતું. જેના કારણે આ અકસ્માત થયો હતો. તેમજ એક ઘાયલ સર્વિસમેને જણાવ્યું હતું કે આ દુર્ઘટના મૂર્તિ સાથે બાંધેલા દોરડામાં કોઈ સમસ્યાને કારણે સર્જાઇ હતી.
મુખ્યમંત્રીએ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને ઘાયલ સેવકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમજ તેમણે કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદનને તાત્કાલિક પુરીની મુલાકાત લેવા અને યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.
અકસ્માત બાદ નાયબ મુખ્યમંત્રી પ્રવતિ પરિદા પણ પુરી ગયા હતા અને હરિચંદન સાથે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે ઘાયલ સેવકો સાથે વાત કરી અને તેમની સ્થિતિ વિશે પૂછ્યું હતું. ત્યારે મીડિયા સાથે વાત કરતા હરિચંદને કહ્યું, “ભગવાન જગન્નાથના આશીર્વાદથી તમામ ઘાયલ લોકો સ્વસ્થ છે અને ધાર્મિક વિધિઓ પણ ચાલી રહી છે.
અકસ્માત બાદ મૂર્તિઓને ગુંડીચા મંદિરમાં લઈ જવામાં આવી હતી
અકસ્માત બાદ ત્રણેય ભાઈ-બહેન ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રની મૂર્તિઓ તેમના જન્મસ્થળ ગણાતા ગુંડીચા મંદિરની અંદર લઈ જવામાં આવી હતી. હવે તેઓ 15મી જુલાઈએ ‘બહુદા યાત્રા’ સુધી ગુંડીચા મંદિરમાં રોકાશે. આ વખતે 53 વર્ષ બાદ પુરીમાં રથયાત્રા બે દિવસની છે. રવિવારનો પ્રવાસનો પહેલો દિવસ હતો, જે સૂર્યાસ્ત સમયે રોકી દેવામાં આવ્યો હતો.
પુરીમાં 130 લોકો ઘાયલ
અગાઉ રથયાત્રાના પહેલા દિવસે એટલે કે રવિવારે પુરીમાં રથયાત્રા દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ સહિત લગભગ 130 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી અડધાને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 40 લોકોની સારવાર ચાલી રહી છે.