ગાંધીનગર: (Gandhinagar) સીએમ ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શરૂ કરેલા ઓપરેશન ગંગાજળ દરમ્યાન હજુયે 100 જેટલા સરકારી બાબુઓને ફરજીયાત નિવૃત્ત કરી દેવામાં આવનાર છે. આ અભિયાન આગામી બે મહિના સુધી ચાલનાર હોવાની માહિતી સચિવાલયમાંથી મળી છે.
ટોચના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, ઓપરેશન ગંગાજળ હેઠળ અત્યાર સુધીમાં 11 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. જેમાં પાંચ અધિકારીઓ કલાસ વન છે. જયારે અન્ય અધિકારી વર્ગ -2 અધિકારીઓનો સમાવેશ થાય છે.
સીએમઓ દ્વારા અંદાજિત 100 જેટલા અધિકારીઓની યાદી તૈયાર કરાઈ છે. જેમાં ગૃહ વિભાગ , મહેસૂલ, પંચાયત, શહેરી વિકાસ સહિતના વિભાગોનો સમાવેશ થાય છે. જયારે સરકારના બોર્ડ નિગમો, મહાપાલિકા, અને નગરપાલિકાઓનો પણ સમાવેશ થાય છે.
રાજય સરકારના વહીવટી તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર ફેલાયો છે. જેના પગલે છેક ગાંધીનગર સુધી ફરિયાદો આવી રહી છે. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો તથા સાંસદો પણ ફરિયાદ કરી રહ્યાં છે કે સરકારી અધિકારીઓ કામ કરતાં નથી. રજુઆતો સાંભળતા નથી. જેના પગલે આ ઓપેરશન ગંગાજળ શરૂ થયેલું છે.