હિન્દી ફિલ્મ જગતમાં બધાજ નાયકોને ગાયક તરીકે પણ પ્રસ્થાપિત થઈ જવાનું કે.એલ.સાયગલની જેમ સદ્દભાગ્ય સાંપડયું નથી. જે ગાયકો તલત મહેમૂદની જેમ નાયક બનવાના મોહમાં પડયા તેમની ગાયક તરીકેની કારકિર્દીને મોટું નુકશાન થયું. અભિનયના બેતાજ બાદશાહ દિલીપકુમાર આ હકીકત જાણતા હતા, એટલે જ સુમધુર કંઠ હોવા છતાં એક અપવાદ સિવાય એવા મોહથી દૂર રહ્યા.
મિત્ર ભાવે તેમણે ઋષિકેશ મુખરજીને ફિલ્મ બનાવવા અને દિગ્દર્શન કરવા પ્રોત્સાહિત કર્યા, પોતાની કારકિર્દીનો સૂરજ મધ્યાન્હે તપતો હોવા છતાં મિત્ર મુખરજીની ફિલ્મ ‘‘મુસાફિર’’ માં કથા અનુસાર ભાગે આવતી અંતમાં ત્રીજા ભાગની, ત્રીજા નાયકની ભૂમિકા સ્વીકારી, ઉપરાંત તે ફિલ્મના સંગીત નિર્દેશક સલિલ ચૌધરીને પણ મિત્ર ભાવે યાદગાર સહકાર આપ્યો.
નામરજી અને વારંવારના ઈન્કાર પછી સલિલ દાના પ્રબળ આગ્રહને માન આપી એક ગીત ગાયું. ગીત ગાવા પાછળ ઘણો પરિશ્રમ નિષ્ઠાપૂર્વક કર્યો અને ઘણો સમય ખર્ચ્યો, દિલીપકુમારનો કંઠ તલત-મહેમૂદ જેવો રેલાયો. શાસ્ત્રીય ‘‘પીલું’’ રાગમાં શૈલેન્દ્રજી રચિત ગીત ‘‘લાગી નાહીં છૂટે રામા ચાહે જિયા જાય’’ લતાજી સંગે રંગે ચંગે ગાઈને ઓગણીસો સત્તાવનની એ ફિલ્મને યાદગાર બનાવી. પરદા પર તેમની સામે નાયિકા ઉષાકિરણ હતી.
નિરાશ અને નિષ્ફળ પ્રેમીની વ્યથા સાથેનો અભિનય, ચહેરાનો દેખાવ અને દેવદાસ જેવા સ્વરૂપમાં જાણે સાયગલનો આભાસ કંડારાયેલો. અતીતના પ્રેમપૂર્ણ સંગનાં સંસ્મરણો વાગોળવા સાથે યુગલ ગાન પડઘાતું હતું, જે ગીત ગૂંજનના પ્રારંભે દિલીપકુમાર વાયોલીનમાં સૂર રેલાવતા દર્શાવ્યા છે.
‘‘મુસાફિર’’ ફિલ્મ જોતાં માનવું પડે છે, ટી.વી. જેવા સાધનોમાં, નિહાળતાં અને સાંભળતા માની લેવું પડે છે કે એક મહાન અભિનેતા, નાયકમાં લાયક ગાયક સંતાયો હતો. જે કામ અન્ય મોટા ગજાના સંગીતકારો નહીં કરી શકયા, તે સલિલદાએ સફળતાપૂર્વક કરી બતાવ્યું. આજે દિલીપકુમાર નવ્વાણું વર્ષની વયે પ્રેમાદર સાથે શુભેચ્છા પામી રહ્યા છે કે ‘‘શતાયુ ભવ’’ જો એ ભલી દુઆ મકબૂલ થાય તો અભિનયની એ યુનિવર્સિટી ઈતિહાર રચી જાય.
– યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.