Gujarat

એક વર્ષમાં ગુજરાતમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવો રાજ્ય સરકારનો લક્ષ્યાંક

ગાંધીનગર: ગુજરાતમાં અત્યારે 9,27,550 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા છે. પાંચ-પાંચ ગામના 2,916 ક્લસ્ટર્સ બનાવીને દરેક ક્લસ્ટર્સમાં એક નિષ્ણાત ખેડૂત અને કૃષિ વિભાગના એક નિષ્ણાત અધિકારી ખેડૂતોને તેમના ખેતરમાં જઈને તાલીમ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 43.98 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા ચાલી રહેલા મહાઅભિયાનને વધુ વેગવાન અને અસરકારક બનાવવા રાજભવનમાં યોજાયેલી રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું.

આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, ગુજરાતની દાંતીવાડા, આણંદ, નવસારી અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીઓના ત્રણ વર્ષના સંશોધનોથી વૈજ્ઞાનિક સાબિતી મળી છે કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી કૃષિ ઉત્પાદન પહેલા જ વર્ષે વધે છે અને ઉત્પાદનની ગુણવત્તામાં બમણો સુધારો થાય છે. ભૂમિની ફળદ્રુપતા પાછી લાવવી હશે, લોકોનું સ્વાસ્થ્ય સુધારવું હશે અને પર્યાવરણ બચાવવું હશે તો પ્રાકૃતિક કૃષિ વિના નહીં ચાલે.

ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ ગુજરાત સરકારનું મિશન છે, ગુજરાતનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ આપણું લક્ષ્ય છે, આ માટે સૌના સહિયારા પ્રયાસો જરૂરી છે. પ્રાકૃતિક ખેતી માટે મિશન મોડ પર કામ કરવાની આવશ્યકતા છે. વૈજ્ઞાનિક સંશોધનોના પરિણામો અત્યંત પ્રોત્સાહક છે ત્યારે પ્રત્યેક ખેડૂત વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ સમયની માંગ છે. ગત વર્ષે ગુજરાતમાં 3,107 મોડલ પ્રાકૃતિક ફાર્મ તૈયાર કરાયા છે. વર્ષ 2024-25માં વધુ 3,245 મોડેલ ફાર્મ તૈયાર કરવાનું આયોજન છે.

Most Popular

To Top