Charotar

પેટલાદ શહેર ભાજપ મહામંત્રીએ રાજાપાઠમાં પીઆઈ સાથે માથાકૂટ કરી

પેટલાદમાં રથયાત્રા દરમિયાન ભાજપના નેતા રાજાપાઠમાં ધસી આવ્યાં

પોલીસે મહામંત્રી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી લોક-અપમાં બેસાડી દીધાં

(પ્રતિનિધિ) પેટલાદ તા.8

પેટલાદમાં રવિવારે 98મી રથયાત્રા નીકળી હતી. જે નિયત રૂટ મુજબ હનુમાન ફળીયાથી આગળ વધતા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર સાથે શહેર ભાજપ મહામંત્રીને માથાકુટ થઈ હતી. આ શખ્સ પીધેલી હાલતમાં બોલાચાલી ઉપર ઉતરી આવતા પોલીસે સ્થળ પર જ કાયદેસર કાર્યવાહી કરી હતી. આ રાજકીય નેતા સામે ગુનો નોંધ્યો હતો. જેના પગલે પોલીસ સ્ટેશનના લોક-અપની હવા ખાવાનો વારો આવ્યો હતો.

પેટલાદ ખાતે 98મી રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રા પૂર્વે યોજાયેલી શાંતિ સમિતીની બેઠકમાં ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. બ્રહ્મભટ્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ ધાર્મિક યાત્રામાં જો કોઈ પીધેલી હાલતમાં ઝડપાશે. તો તેવા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આવી જ એક ઘટના રથયાત્રા દરમ્યાન હનુમાન ફળીયાથી આગળ બની હતી. પેટલાદ શહેર ભાજપ મહામંત્રી મનીષકુમાર રમેશચંદ્ર શાહ પીધેલી હાલત લથડીયા ખાતા ચાલી રહ્યા હતા. જેથી પોલીસે તેઓને ટકોર કરી હતી. પરંતુ મળતી માહિતી મુજબ, ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર સાથે તેઓ ચડભડ પર ઉતરી આવ્યાં હતાં. જોકે, રથયાત્રા ઝડપથી આગળ વધારવા તથા વાહનો વચ્ચેના વધતા અંતર સંદર્ભે પોલીસ સાથે નેતાજી ચર્ચાનો વિષય બન્યા હતા. પરંતુ પીધેલી હાલતમાં મનીષ શાહે ટાઉન પીઆઇ સાથે રકઝક કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બાદમાં મનીષ શાહને ચાલુ રથયાત્રા દરમ્યાન ઉઠાવી પોલીસ સ્ટેશનના લોક-અપ પાછળ ધકેલી દેવાયો હતો.

આ અંગે મનીષ શાહે જણાવ્યું હતું કે, મારી પાસે દારૂની પરમીટ છે. હું તો 24 કલાક દારૂનું સેવન કરી શકું છું. જો કે રથયાત્રા સંપન્ન થતાં ભાજપના નેતાઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા.

Most Popular

To Top