પોલીસ દ્વારા મેડિકલ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે
એલસીબીની ટીમે ભડકોદરાના ઘરેથી આરોપીને દબોચી માંજલપુર પોલીસને સોંપ્યો
(પ્રતિનિધિ) વડોદરા તા.8
માંજલપુરમાં રહેતી એક સંતાનની બીમાર માતા પર સોશિયલ મીડિયા પરથી મિત્રતા કેળવનાર ભરૂચના યુવકે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે દુષ્કર્મીની ધરપકડ કરીને મેડિકલ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરાયો હતો.
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી એક સંતાનની માતાની સોશિયલ મીડિયાના માધ્યમથી ભરૂચના ભડકોદરા ખાતે રહેતા સંજુ સેબસ્ટિયન સાથે સંપર્ક થયો હતો. જેથી બંને વચ્ચે વાત પણ થતી રહેતી હતી. દરમિયાન યુવતી બીમાર પડી હતી. જેની જાણ સંજુને થતા તેને જોવા માટે માંજલપુરના ઘરે આવ્યો હતો. ત્યારે ઘરમાં યુવતી એકલી હોય સંજુએ શરીર સંબંધ બાંધવા દેવા માગણી કરી હતી. પરંતુ યુવતીએ ઇન્કાર કરતા તેણે જબરદસ્તીથી યુવતી પર બળાત્કાર ગુજાર્યા બાદ ફરાર થઇ ગયો હતો. જેથી યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ભરૂચ રવાના થઇ હતી અને ગણતરીના કલાકોમાં આરોપી સંજુ સેબસ્ટિયનને ઝડપી પાડ્યો હતો. આરોપીને વડોદરા લાવ્યા બાદ પોલીસ દ્વારા તેની મેડિકલ તપાસ કરાવ્યા બાદ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ દ્વારા આરોપીને જેલમાં મોકલી આપવાના હુકમ કરતા જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.