રૂપિયા ૧.૩૯ લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે ૧૧ જુગારીયાઓની અટકાયત…
દાહોદ,તા.૦૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના કાપડી વિસ્તારના જેતરા ફળિયામાં એક રહેણાંક મકાનમાં પત્તા પાના વડે મોટાપાયે રમાતા જુગાર પર ઓચિંતી ત્રાટકેલી દેવગઢબારિયા પોલીસે રૂપિયા ૩૯,૦૦૦/- ઉપરાંતની રોકડ તેમજ ૧૦ જેટલા મોબાઈલ ફોન વગેરે મળી રૂપિયા ૧.૩૯ લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે દેવગઢબારિયા ભાજપ શહેરના લઘુમતી મોરચાના મહામંત્રી સહિત કુલ ૧૧ જેટલા જુગારીયાઓની અટકાયત કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે. દેવગઢ બારીયા કાપડી વિસ્તારના જેતરા ફળિયામાં રહેતા સતારભાઈ ઈસ્માઈલભાઈ રાતડીયા પોતાના રહેણાંક મકાનમાં બહારના લોકોને બોલાવી પત્તા પાના વડે મોટા પાયે જુગાર રમતા રમાડતા હોવાની બાતમી દેવગઢબારિયા પોલીસને પોતાના ખાનગી બાતમીદાર દ્વારા મળી હતી. જે બાતમીને આધારે દેવગઢબારિયા પીએસઆઇ લાડની સૂચના અને માર્ગદર્શનમાં દેવગઢ બારિયા પોલીસની ટીમે બાતમીમાં દર્શાવેલ કાપડી જેતરા ફળિયાના સત્તારભાઈ ઈસ્માઈલભાઈ રાતડીયા ના રહેણાંક મકાનને ચારે બાજુથી ઘેરી લઈ સાંજના ચારેક વાગ્યાના સુમારે મકાનમાં ઓચિંતો છાપો મારી પત્તા પાના વડે જુગાર રમી રહેલા ઘરધણી સત્તારભાઈ ઇસ્માઈલભાઈ રાતડીયા, દેવગઢબારિયા કસબામાં રહેતા ભાજપના મહામંત્રી ઇમરાન દાઉદખાન પઠાણ, દેવગઢ બારીયા હોળી ચકલા ખાતે રહેતા રાકેશભાઈ રજનીકાંત પરીખ, દેવગઢ બારીયા જુના પોલીસ સ્ટેશન પાસે રહેતા ઇબ્રાહીમભાઇ હુસેન ભાઇ શેખ, દેવગઢબારિયા કસ્બા ડુંગરી ફળિયામાં રહેતા તાહિર હુસેનભાઇ શેખ, પંચમહાલ જિલ્લાના ગોધરાના ઇનાયત હુસેન કલા, દેવગઢ બારીયા કાપડી જુના રેલવે સ્ટેશન પર રહેતા મુસ્તુફા તૈયબ ભાઈ તાંબાવાળા, ઉધાવળા તળાવ ફળિયામાં રહેતા યાકુબ સતાર ગુમલી વાલા, કાપડી રહીમાબાદ કોલોનીમાં રહેતા ઇલિયાસ ઈસ્માઈલ પટેલ, દેવગઢ બારીયા કસ્બા ડુંગરી ફળિયામાં રહેતા સોહિલખાન જાવેદખાન પઠાણ તથા દેવગઢ બારીયા ભે દરવાજા ખાતે રહેતા શબ્બીર અબ્દુલ વહાબ મળી કુલ ૧૧ જેટલા જુગારીયાઓને નાસવાનો પ્રયાસ કરે તે પહેલા જ દબોચી લીધા હતા. અને તેઓની અંગ જડતી લઈ રૂપિયા ૨૯,૧૬૦ની રોકડ તથા દાવ પરથી રૂપિયા ૯,૯૩૦/-ની રોકડ મળી કુલ રૂપિયા ૩૯,૦૯૦ની રોકડ તથા રૂપિયા ૧ લાખની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ-૧૦, ચાદર નંગ-૨, કાળા તથા સફેદ પ્લાસ્ટિકના ગોળ આકારના બિલ્લા નંગ-૪૯ મળી કુલ રૂપિયા ૧,૩૯,૦૯૦નો મુદ્દા માલ પકડી પાડી કબ્જે લઈ પકડાયેલ ઉપરોક્ત તમામ જુગારીયાઓ વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી તે તમામને જેલના સળિયા પાછળ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાજપના લઘુમતી નેતાનો પોલીસ સાથે ઘરોબો
જ્યાં રેડ પાડવા આવેલ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ પર પણ હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. તેવા જુગારનું એપી સેન્ટર કહેવાતા દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં જેતરા ફળિયાના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર ત્રાટકેલી દેવગઢબારિયા પોલીસે દેવગઢબારિયા ખાતે રહેતા અને દેવગઢબારિયા તાલુકા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી ઇમરાન સહિત ૧૧ જેટલા જુગારીયાઓને રૂપિયા ૧.૩૯ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પકડી પાડી જેલ ભેગા કર્યા હતા. જે લઘુમતી મોરચાના મહામંત્રીનો દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મીની બર્થ ડે પર ફુલહાર પહેરાવી બર્થ ડે વિશ કરતો ફોટો તેઓ બંને વચ્ચેના ઘરોબા બાબતે ઘણું બધું કહી જાય છે.