World

ઇંડોનેશિયાની સોનાની ખાણમાં ભૂસ્ખલન: 11નાં મોત, 20 લોકો ગુમ

નવી દિલ્હી: ઈંડોનેશિયાના (Indonesia) સુલાવેસી દ્વીપ પર પાછલા થોડા સમયથી મુશળધાર વરસાદ વરસી રહ્યો. જેના કારણે ત્યાં એક સોનાની ખાણમાં ભૂસ્ખલન (Landslide) થયું હતું. તેમજ આ ખાણ ગેરકાયદેસર હોવાથી અહીં છુપી રીતે કામ રહેલા 11 કામદારોનું ખાણના કાટમાળમાં દબાઇને મોત નિપજ્યું હતું. જ્યારે 20 લોકો ગુમ થયા હતા.

સમગ્ર ઘટનાની માહિતી દુર્ઘટના બાદ સામે આવી હતી. જેથી તંત્ર સફાળુ બેઠું થઇ ગયું હતું. કારણકે અહીં માઇનીંગની મનાઇ હોય, મજૂરો ગેરકાયદેસર ખોદકામ કરી રહ્યા હતા. જેની જાણ તંત્રને ન હતી. આ મામલે અધિકારીઓએ સોમવારે વિગતો આપી હતી. તેમજ ગોરોન્ટાલો પ્રાંતની શોધ અને બચાવ એજન્સીના પ્રવક્તા અફીફુદ્દીન ઈલાહુદેએ જણાવ્યું હતું કે, રવિવારે પ્રાંતના દૂરના બોન બોલાંગોમાં એક નાની પરંપરાગત સોનાની ખાણમાં આશરે 33 ગ્રામવાસીઓ ખાદકામ કરી રહ્યા હતા, ત્યારે આસપાસની ટેકરીઓમાંથી અનેક ટન માટી તેમના પર પડી હતી અને આ મજૂરો કાટમાળમાં દબાઇ ગયા હતા.

ઇલાહુડેએ વધુમાં જણાવ્યું હતું કે બચાવકર્મીઓએ રવિવારે બે ઘાયલ લોકોને બચાવ્યા હતા અને સોમવાર સુધીમાં 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે બચાવ ટુકડીઓ હજુ પણ અન્ય 20 લોકોને શોધી રહી છે જેઓ ગુમ થયાના અહેવાલ છે. ઇંડોનેશિયામાં ગેરકાયદેસર ખાણકામ મોટા પાયે થાય છે, જે હજારો લોકોને આજીવિકા પૂરી પાડે છે. તેમજ આ લોકો ગંભીર ઈજા અથવા મૃત્યુના ઉચ્ચ જોખમ સાથેની પરિસ્થિતિઓમાં કામ કરે છે.

સમગ્ર મામલે બચાવ કામદીરી કરી રહેલા અધિકારીઓનું કહેવું છે કે, ‘અમે ગુમ થયેલા લોકોને શોધવા માટે નેશનલ રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સેનાના જવાનો સહિત 164 જવાનોને તૈનાત કર્યા છે. તેમજ બચાવકર્મીઓએ ભૂસ્ખલન સ્થળ સુધી પહોંચવા માટે લગભગ 20 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. જેથી અહીં રસ્તા પર કાદવ અને સતત વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ ભૂસ્ખલનને કારણે કેટલાક મકાનો પણ ધરાશાયી થયા છે.

ઇંડોનેશિયાની ડિઝાસ્ટર એજન્સીના જણાવ્યા અનુસાર ભૂસ્ખલનથી અનેક મકાનો અને એક પુલને નુકસાન થયું છે. જેના કારણે ડિઝાસ્ટર એજન્સીએ સ્થાનિક રહેવાસીઓને ચેતવણી જારી કરી છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ સુલાવેસી ટાપુ પર ભૂસ્ખલન થયું હતું. તેમજ એપ્રિલના ભૂસ્ખલનમાં 14 લોકોના મોત થયા હતા.

Most Popular

To Top