SURAT

કારગીલના શહીદોની યાદમાં નિવૃત્ત આર્મી ઓફિસર કેપ્ટન મીરાની પતિ સાથે સુરતથી દ્રાસ સુધી જ્ઞાનયાત્રા

સુરત : વર્ષ 1999માં કારગીલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ભીષણ યુદ્ધ, સેનાના જવાનોના બલિદાન અને યુદ્ધના વિજયની યાદમાં સુરતથી રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા દવે તેમના પતિ સિદ્ધાર્થ દવે સાથે 5000 કિ.મી.ની યાત્રા પર નીકળ્યા છે.

કારગીલ વિજય જ્ઞાનયાત્રા 2024ના બેનર હેઠળ આ દંપતિએ આજે તેમની કારમાં સુરતના અઠવાલાઈન્સ વિસ્તારથી યાત્રા શરૂ કરી છે. દંપતી 26મી જુલાઈના રોજ કારગીલના દ્રાસ પહોંચશે. અહીં તેઓ સેનાના જવાનો સાથે કારગીલ દિવસની ઉજવણી કરશે.

રિટાયર્ડ કેપ્ટન મીરા દવે સુરત શહેરમાં પતિ સિદ્ધાર્થ દવે સાથે રહે છે. તેઓ પોતાની કારમાં જ આ માર્ગ યાત્રા કરશે. કેપ્ટન મીરા દવેએ કહ્યું કે, અમે ગઈકાલે તા. 7 જુલાઈના રોજથી યાત્રા શરૂ કરવા માંગતા હતા. કારણ કે 7 જુલાઈના રોજ કેપ્ટન વિક્રમ બત્રાએ શહીદી વ્હોરી હતી. પરંતુ તે શક્ય બન્યું નહીં. અમે આજથી યાત્રા શરૂ કરી છે.

આ યાત્રા ભારતના નાગરિકો માટે છે. કારણ કે ભારતના નાગરિકો પ્રથમ સૈનિક છે. કારગીલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે આ યાત્રા કાઢવામાં આવી રહી છે. યાત્રાનો હેતુ યુદ્ધમાં બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. અમે 26 જુલાઈના રોજ કારગીલના દ્રાસ ખાતે પહોંચીશું. ત્યારે ત્યાં કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરવામાં આવશે.

યાત્રા દરમિયાન જયપુરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન
કેપ્ટન મીરા દવે વધુમાં જણાવ્યું હતું કે, કારગીલ વિજય જ્ઞાન યાત્રા સુરતથી શરૂ થઈ રાજસ્થાનના જયપુર, શ્રી ગંગાનગર અને ત્યારબાદ પંજાબના ભટિંડા, અમૃતસર, જમ્મુ કશ્મીરના જમ્મુ, શ્રીનગર અને ત્યાર પછી કારગિલના દ્રાસ સુધી પહોંચશે. યાત્રા દરમિયાન જ્યાં જ્યાં સ્ટોપ હશે ત્યાં સ્થાનિક વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને પ્રજા સાથે ઈન્ટરેક્શન કરશે. પ્રવાસ દરમિયાન જયપુર ખાતે જાહેર કાર્યક્રમ યોજાશે.

સિદ્ધાર્થ દવેએ જણાવ્યું હતું કે, જયપુર ખાતે કારગિલ યુદ્ધના હીરો મહાવીરચક્રથી સન્માનિત રાજપુત રાયફલ્સનાના દિગેન્દ્ર કુમાર હાજર રહેશે. આ યાત્રા, રોડ યાત્રા નો ઉદ્દેશ્ય જાગૃતિ અને પ્રેરણા આપવાનો, બહાદુરીની ગાથાઓ અને કારગીલ વિજય દિવસના મહત્વને શેર કરવાનો છે. માર્ગ યાત્રા 26મી જુલાઈ 2024ના રોજ ભવ્ય ઉજવણી સાથે કારગીલ, દ્રાસમાં સમાપ્ત થશે. કારગિલ વિજય જ્ઞાન યાત્રા 2024 કારગિલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને સાથે તે ભારતના નાગરિકો માં દેશભક્તિ અને જાગૃતિ ને પણ પ્રોત્સાહન આપે છે.

Most Popular

To Top