National

શિવસેના નેતાના પુત્રએ નશાની હાલતમાં દંપતીને BMW વડે ટક્કર મારી: 100 મીટર ઘસડાયા બાદ મહિલાનું મોત

મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પોર્શ અકસ્માત (Accident) કેસ બાદ હવે મુંબઈમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મુંબઈના વરલીમાં રવિવારે 7 જુલાઈએ સવારે સ્કૂટી પર સવાર દંપતીને પૂરઝડપે આવતી BMW એ ટક્કર મારી હતી. ઘટનાસ્થળેથી ભાગતી વખતે આરોપીએ 45 વર્ષની મહિલાને કારમાં 100 મીટર સુધી ઘસડી હતી જેના કારણે મહિલાનું મોત થયું હતું જ્યારે પતિ ઘાયલ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતા રાજેશ શાહનો 24 વર્ષીય પુત્ર મિહિર શાહ ચલાવી રહ્યો હતો. ડ્રાઈવર પણ તેની સાથે હતો. ઘટના બાદથી મિહિર ફરાર છે. પોલીસે રાજેશ શાહ અને ડ્રાઈવરની અટકાયત કરી છે. કાર પણ જપ્ત કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે વરલીના કોલીવાડા વિસ્તારમાં રહેતા પ્રદીપ નખવા અને તેની પત્ની કાવેરી નખવા માછીમાર સમુદાયના છે. બંને દરરોજ સસૂન ડોક પર માછલી ખરીદવા જતા હતા. દરરોજની જેમ રવિવારે પણ તે સસૂન ડોકથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન સવારે 5:30 વાગ્યે એટરિયા મોલ પાસે પાછળથી એક પૂરઝડપે આવતી BMWએ તેઓને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટર પલટી ગયું અને બંને પતિ-પત્ની કારના બોનેટ પર પડ્યા હતા.

પોતાને બચાવવાના પ્રયાસમાં પતિ તરત જ બોનેટ પરથી કૂદી ગયો હતો પરંતુ પત્ની ઉભી થઈ શકી ન હતી. ભાગવાની ઉતાવળમાં આરોપીએ મહિલાને કચડી નાખી અને કાર સાથે લગભગ 100 મીટર સુધી ખેંચી ગયો હતો. આ પછી આરોપી મિહિર અને તેનો ડ્રાઈવર કાર લઈને ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત મહિલાને મુંબઈ સેન્ટ્રલની નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. પતિ હાલ સારવાર હેઠળ છે.

કાયદો બધા માટે સરખો- એકનાથ શિંદે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે કાયદો બધા માટે સમાન છે અને રવિવારે મુંબઈમાં BMW કાર સાથે સંકળાયેલી ઘટનામાં તેનો અમલ અલગ નહીં હોય. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે પોલીસ વિભાગને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

ઘટના બાદ કારમાંથી પાર્ટીનું સ્ટીકર હટાવવાનો પ્રયાસ
અકસ્માત બાદ વરલી પોલીસે ઘટના સ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી તપાસ્યા હતા જેમાં જાણવા મળ્યું કે વાહન શિવસેનાના નેતા રાજેશ શાહનું હતું. રાજેશ શાહ પાલઘરમાં સત્તાધારી શિવસેના (શિંદે જૂથ)ના ઉપનેતા છે. વરલી પોલીસે હિટ એન્ડ રનનો કેસ નોંધ્યો છે અને સફેદ BMW કાર કબજે કરી છે. પોલીસ તપાસમાં પુરાવાનો નાશ કરવાના પ્રયાસો પણ બહાર આવ્યા છે. કારની વિન્ડશિલ્ડ પર શિવસેનાનું સ્ટીકર હતું. ઘટના બાદ સ્ટીકરને સ્ક્રેચ કરીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી પાર્ટી સાથે વાહનનું કનેક્શન છુપાવી શકાય. કારની નંબર પ્લેટ પણ દૂર કરવામાં આવી હતી પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા જેના કારણે કાર માલિકની ઓળખ થઈ હતી.

જુહુના બારમાંથી દારૂ પીને પરત ફરી રહ્યો હતો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના સમયે મિહિર શાહ નશામાં હતો. તેણે શનિવારે 6 જુલાઈ રાત્રે જુહુના એક બારમાં દારૂ પીધો હતો. ઘરે જતી વખતે તેણે ડ્રાઈવરને લોંગ ડ્રાઈવ પર જવા માટે કહ્યું. વર્લીમાં મિહિરે કાર ચલાવવાની જીદ કરી અને કાર ચલાવવાનું શરૂ કર્યું. થોડે દૂર ગયા બાદ તેણે દંપતીને ટક્કર મારી. ઘટના બાદ તેણે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. પોલીસ તેને શોધી રહી છે.

Most Popular

To Top