ઝિમ્બાબ્વેએ પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 13 રને હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમનો બેટિંગ ઓર્ડર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો હતો. નવાઈની વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ ગયા અઠવાડિયે ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હવે તેઓ ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ન થઈ શકી એવી ટીમથી પરાજય પામ્યા છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા ઝિમ્બાબ્વેએ ક્લાઈવ મદાંડેની 29 રનની અણનમ ઈનિંગની મદદથી 20 ઓવરમાં નવ વિકેટે 115 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 19.5 ઓવરમાં 10 વિકેટે 102 રન જ બનાવી શકી હતી. ગિલ અને સુંદર સિવાય કોઈ બેટ્સમેન રમ્યો નહોતો. આ જીત સાથે ઝિમ્બાબ્વેએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
IPL સ્ટાર ઝિમ્બાબ્વે સામે ફ્લોપ
આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનાર ત્રણેય બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા. ઝિમ્બાબ્વે સામે અભિષેક શર્મા ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. જ્યારે રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ પણ કંઈ ખાસ બતાવી શક્યા ન હતા. આ ત્રણેય ખેલાડીઓએ IPL 2024માં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. જોકે ડેબ્યુ મેચમાં ત્રણેયના બેટ શાંત રહ્યા હતા.
ભારતીય બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન
લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ટીમે પહેલી જ ઓવરમાં અભિષેક શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક ચાર બોલમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. આ પછી વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો. શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદર સિવાય કોઈએ બેટિંગ કરી નથી. કેપ્ટને પ્રથમ મેચમાં પાંચ ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. જ્યારે સુંદરે એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. આ મેચમાં ગાયકવાડે સાત, પરાગે બે, રિંકુ સિંહે શૂન્ય, જુરેલે છ, બિશ્નોઈએ નવ, આવેશ 16, મુકેશે શૂન્ય રન કર્યા હતા. જ્યારે ખલીલ ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યો હતો. ઝિમ્બાબ્વે માટે ચતારા અને કેપ્ટન રઝાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે બેનેટ, વેલિંગ્ટન, મુઝારાબાની અને લ્યુકે એક-એક વિકેટ લીધી હતી.