Dakshin Gujarat

ડાંગ જિલ્લામાં ચોમાસુ પુરબહારમાં, આહવા-વઘઇ માર્ગ પર માટી મલબો અને પથ્થરો ધસી પડ્યા

સાપુતારા: (Saputara) વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં (Dang District) ગતરોજથી વરસાદી માહોલ જામતા ચોમાસુ પુરબહારમાં ખીલી ઉઠ્યુ છે. શનિવારે સતત બીજા દિવસે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા, ચીંચલી, ગારખડી, સુબિર, સિંગાણા, બરડીપાડા, મહાલ, પીપલાઈદેવી, લવચાલી, ભેંસકાતરી, ઝાવડા, વઘઇ, સાકરપાતળ, કાલીબેલ સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે લોકમાતાઓમાં અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં નવા નીર આવ્યા હતા. તેમજ નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. શનિવારે ધોધમાર વરસાદ પડતા ઝરણા, વહેળા, અને નાના મોટા જળધોધ સક્રિય બનતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વરસાદી મહોલના પગલે આહવા-વઘઇ માર્ગ પર માટી મલબો અને પથ્થરો ધસી પડ્યા હતા. ગિરિમથક સાપુતારા ખાતે શનિવારે પણ વરસાદી માહોલ જામતા વાતાવરણ બેવડાયુ હતુ. સાપુતારા ખાતે સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વિઝિબલિટી ઘટી હતી. શનિવારે ગિરિમથક સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. શનિવારે વરસાદી માહોલમાં કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા આવેલા પ્રવાસીઓએ ધુમ્મસીયા વાતાવરણમાં હરીફરીને તથા વિવિધ એક્ટિવિટીઓનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.

સાપુતારા ઘાટમાર્ગ સહિત સાપુતારાનાં જોવાલાયક સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાઈ તે માટે શનિવારે સાપુતારા પી.એસ.આઈ એન.ઝેડ.ભોયાનાં માર્ગદર્શન હેઠળ ઠેરઠેર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રવાસીઓની ભીડનાં પગલે સાપુતારા પોલીસ મથકની ટીમ સહિત હેડકવાટર્સનાં 06 પોલીસ જવાનો તથા વધારાનાં 30 હોમગાર્ડ તથા જી.આર. ડી જવાનોને ખડેપગે તૈનાત કરાયા હતા. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં સાપુતારા પંથકમાં 29 મીમી અર્થાત 1.16 ઈંચ, સુબિર પંથકમાં 58 મીમી અર્થાત 2.32 ઈંચ, આહવા પંથકમાં 59 મીમી અર્થાત 2.36 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 77 મીમી અર્થાત 3.08 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આહવાનાં પાયરપાડામાં બળદનું કરંટ લાગતા મોત
આહવાનાં પાયરપાડા ગામના મોતીલાલ અર્જુનભાઈ ભોયેનાં પશુઓ વરસાદી માહોલમાં ઘાસ ચરી રહ્યા હતા. તે વેળાએ ત્રણ રસ્તા ઉપર વીજ સબ સ્ટેશન પાસે તેમનો એક બળદ ઘાસ ચરી રહ્યો હતો. ત્યારે બળદને અચાનક વીજ કરંટ લાગતા મોત નિપજ્યુ હતું.

વઘઇનો ગીરા ધોધ અને શિવઘાટનો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ છે. જિલ્લા ભરમાં જ્યાં પણ નજર નાખો ત્યાં માત્રને માત્ર મઘમઘતી લીલોતરી અને આ લીલોતરીની વચ્ચેથી ફૂટી નીકળેલા નાનકડા જળધોધ સહિત ઝરણાઓ આકર્ષણનું કેન્દ્ર બની જવા પામ્યા છે. ત્યારે વરસાદને પગલે ડાંગની નદીઓમાં પાણીની આવક વધી છે. જેની સાથે આજરોજથી નાના – મોટા જળધોધ પણ જીવંત થયા છે. ત્યારે આહવા નજીક આવેલો શિવઘાટનો ધોધ પણ સક્રિય બન્યો છે. આ ધોધ મુખ્ય રોડ પર હોવાથી પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યો છે. જ્યારે અંબિકા નદી પર વઘઇ નજીક આવેલો ગીરાધોધ પણ સક્રિય થતા અહીના દ્રશ્યો મનમોહક બની જવા પામ્યા હતા.વઘઇનાં ગીરાધોધમાં આજરોજ નવા નીર આવતા પ્રકૃતિપ્રેમીઓ ઝૂમી ઉઠ્યા હતા.

વઘઇના બે કોઝવે પાણીમાં ગરક થતા ત્રણ ગામ પ્રભાવિત
ડાંગ જિલ્લાનાં વઘઇમાં ધોધમાર વરસાદ પડતા કોઝવે ઊંડા પાણીમાં ગરક થયા હતા. જ્યારે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ બે માર્ગો, કોઝ-વે ઓવર ટોપિંગ થવાને કારણે ઓવરોધાયા છે. જેમાં (1) ખાતળ ફાટકથી ઘોડી રોડ, અને (2) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ અવરોધાવાને કારણે ઘોડી અને દિવડયાવન ગામોનો યાતાયાત પ્રભાવિત થવા પામ્યો છે.

  • ડાંગ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
  • વઘઇ 3.08
  • આહવા 2.36 ઈંચ
  • સુબિર 2.32 ઈંચ
  • સાપુતારા 1.16 ઈંચ

Most Popular

To Top