SURAT

VIDEO: સુરતના પાંડેસરાની ડાઈંગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ

સુરત: શહેરના ઔદ્યોગિક વિસ્તાર પાંડેસરામાં આવેલી એક ડાઈંગ મિલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ છે. આગ એટલી ભીષણ હતી કે તેના લીધે ધૂમાડાના ગોટે ગોટા ઉઠ્યા હતા, જેના લીધે આકાશ કાળું થઈ ગયું હતું. આગના ધૂમાડા દૂરથી જોઈ શકાતા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે શનિવારે તા. 6 જુલાઈની સવારે પાંડેસરામાં આવેલી અન્નપુર્ણા ડાઈંગ મિલમાં આગ લાગી છે. આગ લાગતા જ મિલની અંદર કામ કરતા કારીગરો બહાર દોડી ગયા હતા. આગનો કોલ મળતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

શહેરના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં અલગ અલગ ડાઇંગ એન્ડ પ્રોસેસિંગ મિલો આવેલી છે. આ મિલો કાયમ આગના પૂળા ઉપર હોય તેવું લાગે છે. કારણ કે અહીંની મિલોમાં અવાર નવાર ભીષણ આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે, જેને કારણે જાનહાનિ તેમજ આર્થિક નુકસાન પણ થાય છે.

દરમિયાન વધુ એક મિલમાં આગ લાગવાની ઘટના બની હતી. આજે સવારે એક જીઆઇડીસી ખાતે આવેલી એક મિલમાં આગ લાગી ગઈ હતી.જોત જોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટના અંગે જાણ કરવામાં આવતા અલગ અલગ સાત ફાયર સ્ટેશનોથી ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા જીઆઇડીસી ખાતે અન્નપૂર્ણા મિલ આવેલી છે. આજે સવારે 10.52 કલાકે મિલમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. ઘટનાને ગંભીરતાથી લઈને એક કે બે નહિ પરંતુ શહેરના અલગ અલગ સાત ફાયર સ્ટેશનોથી ફાયર જવાનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ સહીત ત્રણ માળની મિલ છે. આખી મિલ આગની ઝપેટમાં આવી ગઈ હતી. ભીષણ આગ આખી મિલમાં પ્રસરી ગઈ હતી. આગે જોત જોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા ગ્રાઉન્ડ સહીત ત્રણ માળ આગની લપેટમાં આવી ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભાગદોડ મચી જવા પામી હતી.

આ ઘટનામાં બે લોકો દાઝી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બપોરના બે વાગ્યા સુધી પણ આગ કાબુમાં નહીં આવી હતી અને ભીષણ આગને કન્ટ્રોલમાં કરવાની કવાયત જારી હતી.

Most Popular

To Top