Gujarat

ગુજરાતમાં ભાજપને હરાવીશું તેવો પડકાર ફેંક્યા બાદ રાહુલ ગાંધી કાલે અમદાવાદ આવશે, અગ્નિકાંડ પીડિતોને મળશે

અમદાવાદ: (Ahmedabad) કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul GandhI આવતીકાલે તારીખ 6 જુલાઈના રોજ અમદાવાદ ખાતે આવી રહ્યા છે. તેઓ રાજકોટ ટીઆરપી ગેમઝોમ અગ્નિકાંડ સહિત રાજ્યમાં બનેલી અનેક મોટી દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે. ઉપરાંત અમદાવાદમાં તેઓ રાજીવ ગાંધી ભવન ખાતે રાજ્યભરમાંથી ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરોને મળશે અને તેમને સંબોધશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ લોકસભામાં પોતાના પ્રવચન દરમિયાન ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને હરાવીશું. લોકસભાની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસે ભાજપને ટક્કર આપી છે, તે જોતાં હવે ગુજરાતમાં રાહુલ ગાંધીએ સક્રિય થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

પ્રદેશ કોગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, આવતીકાલે 6ઠ્ઠી જુલાઈના રોજ રાહુલ ગાંધી બપોરે અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદમાં પાલડી ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં રાજ્યભરમાંથી આવેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને મળશે, અને તેમને સંબોધન કરશે. આ ઉપરાંત રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ, વડોદરાના હરણી તળાવ બોટકાંડ, મોરબીના ઝુલતા પુલ કાંડ તેમજ સુરતના તક્ષશિલા કાંડના પીડિત પરિવારોને મળશે અને તેમની વેદના સાંભળશે.

  • ગુજરાતની આ દુર્ઘટનાના પીડિત પરિવારને મળશે
  • રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ
  • વડોદરા હરણી તળાવ બોટકાંડ
  • મોરબી ઝુલતાપુલ બ્રિજકાંડ
  • સુરત તક્ષશીલા અગ્નિકાંડ

જ્યાંથી ગાંધીજીએ અહિંસાનો સંદેશ પૂરી દુનિયાને આપ્યો છે ત્યાં જ ભાજપ હિંસાની રાજનીતિ કરે છે : મુકુલ વાસનિક
અમદાવાદ : અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ઉપર બીજી જુલાઈને મંગળવારના રોજ ભાજપના કાર્યકરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના અત્યંત કાયરતાપૂર્ણ છે. જ્યાંથી ગાંધીજીનો અહિંસાનો સંદેશ સમગ્ર વિશ્વમાં ગયો છે, તે ગુજરાતમાં ભાજપ દ્વારા હિંસાની રાજનીતિ થઈ રહી છે, તેવું પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું.

આવતીકાલે છઠ્ઠી જુલાઈના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે, ત્યારે આજે અમદાવાદ આવી પહોંચેલા પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો અત્યંત કાયરતાપૂર્ણ છે. એવું લાગી રહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ કામ કરવા લાગશે અને પોતાની ભૂલોને સુધારશે. પરંતુ ભાજપની કાર્ય પદ્ધતિમાં કોઈ બદલાવ થયો નથી.

Most Popular

To Top