નવી દિલ્હી: પંજાબના (Punjab) લુધિયાણામાં (Ludhiana) શિવસેનાના (Shiv Sena) નેતા સંદીપ થાપર પર ચાર નિહંગોએ તલવારો વડે હુમલો કર્યો હતો. ત્યારે આ ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થતા લુધિયાણા પોલીસે અજાણ્યા નિહંગો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે હાલ નેતાની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ જ્યારે આજે સવારે શિવસેના નેતા સંદીપ થાપર સંવેદના ક્લબના કાર્યક્રમમાંથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન તેમની ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો. અહીં સંદીપ થાપર ટ્રસ્ટના સ્થાપક અને ચેરમેન રવિન્દર અરોરાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. ત્યાર બાદ સંવેદના ટ્રસ્ટની ઓફિસમાંથી બહાર નીકળતા જ સિવિલ હોસ્પિટલની નજીક તેમની ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે હુમલાખોરોએ થાપર પર હુમલો કર્યો ત્યારે તેમના ગાર્ડ તેમની સાથે જ હતા. તેમ છતાં તેમનો બચાવ થયો ન હતો.
સીસીટીવી ફૂટેજ વાઇરલ
શિવસેનાના નેતા પર નિહંગોના હુમલાનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેમજ શિવસેનાના નેતાના સમર્થકોએ આ મામલે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે ઘાયલ નેતાને જ્યાં દાખલ કરવામાં આવ્યા હતા તે હોસ્પિટલની બહાર સમર્થકોની લાઈન લાગી છે.
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે ઓફિસની બહાર રાહ જોઈ રહેલા ચાર ‘નિહંગો’એ કથિત રીતે થાપર પર તલવારો વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમના માથામાં ઈજાઓ થઈ હતી. હુમલા બાદ તરત જ સંદીપ થાપરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમની હાલત નાજુક હોવાનું જણાવ્યું હતું.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે સંદીપ થાપર પર હુમલો થયો ત્યારે તેમના સુરક્ષાકર્મીઓ સ્થળ પર હાજર હતા. ત્યારે પોલીસ ઈન્સ્પેક્ટર ગુરજીત સિંહના જણાવ્યા મુજબ હુમલાખોરો હુમલો કર્યા બાદ ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા. એટલું જ નહીં નિહંગાઓ સંદિપ થાપરનું સ્કુટર લઇને ફરાર થયા હતા. વાસ્તવમાં, નિહંગો શીખ સમુદાયમાંથી આવે છે, જેમના સભ્યો સામાન્ય રીતે વાદળી કપડા પહેરીને અને પરંપરાગત હથિયારો સાથે જોવા મળે છે.
આ ઘટના અંગે લુધિયાણાના DCP જસકરણ સિંહ તેજાએ જણાવ્યું હતું કે, “શિવસેના નેતા સંદીપ થાપરની હાલત હવે સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે. પંજાબ પોલીસે સંદીપ થાપરના PSOના નિવેદનના આધારે હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે અને ગુનેગારોને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.”