સુરત: (Surat) રાજ્ય સરકાર સંચાલિત સિવિલ અને સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના (Smimer Hospital) તબીબો પ્રધાનમંત્રી જનઔષધિ દવાઓ નહીં લખતાં હોવાની ફરિયાદ સ્ટોરના સંચાલકે કરી છે. સિવિલમાં 4 લાખની દવા અને સ્મીમેરમાં 1 લાખની દવા એક્સપાયર થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમૃત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરની (Jan Aushadhi Store) સસ્તી દવાઓ દેશભરમાં જરૂરિયાતમંદોને મળી રહે તે માટે અલગ અલગ શહેરો અને ગ્રામ્યોમાં સ્ટોર ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાનગી મેડિકલ સ્ટોરના સંચાલકોને પણ સ્ટોર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સુરતમાં પણ સરકારી તંત્ર દ્વારા સિવિલ અને સ્મીમેરમાં પણ અમૃત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ખોલવામાં આવ્યા છે. જેનું પણ કેન્દ્ર સરકાર હસ્તકની કંપની દ્વારા સ્ટોરનું સંચાલન કરવામાં આવે છે. શરૂઆતમાં લોકો પણ આ સ્ટોરમાં દવા (Medicine) લેવા જતા હતા. પરંતુ ધીરે ધીરે આ સ્ટોર પર દર્દીઓ દવા લેવા જઇ રહ્યા નથી. કારણ કે, સિવિલ અને સ્મીમેરના તબીબો જેનેરિક દવા દર્દીઓને લખી આપતા નથી. સિવિલ અને સ્મીમેરના ખાનગી મેડિકલ સ્ટોરના સંચાલકોને ફાયદો કરાવવા તબીબો ઇચ્છી રહ્યા છે.
સ્મીમેરની વાત કરીએ તો સ્મીમેરની તમામ ઓપીડીમાં ખાનગી મેડિકલ સ્ટોરની ચિઠ્ઠીઓ જોવા મળી રહી છે. જેથી દર્દી સીધા ત્યાં ખાનગી મેડિકલ સ્ટોરમાં જ જાય તેવો આક્ષેપ અમૃત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરના સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્મીમેરમાં અમૃત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનો પાછળનો દરવાજો કોવિડ-19ના કારણે બંધ કરી દેવાતાં ત્યાંના સ્ટોરમાંથી દવાઓનું વેચાણ થતું નથી. એક બાજુ સિવિલ અને સ્મીમેરમાં ખાનગી મેડિકલમાં દવા લેવા માટે લાઇનો લાગતી હોય છે. પરંતુ અમૃત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરમાં કોઇ દર્દી દવા લેવા આવતું નથી. સ્મીમેરના અમૃત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરમાં દરરોજથી 400થી 1000 રૂપિયા સુધીની દવાઓનું વેચાણ થઇ રહ્યું છે. જ્યારે સિવિલમાં પણ દરરોજ 2થી 5 હજાર સુધીની જેનેરિક દવાઓ વેચાણ થઇ રહી છે. કારણ કે, તબીબો જ પહેલા જેનેરિક દવાઓ લખી આપતા નથી. સ્મીમેરના એક તબીબે જણાવ્યું હતું કે, જેનેરિક દવાઓ અને રૂટિન દવાઓમાં ઘણો ફરક હોય છે. સામાન્ય રીતે પેરાસિટામોલ નામની દવા એક જ કંપનીની 10 રૂપિયાની પણ મળે છે અને 100 રૂપિયાની પણ મળે છે. જેનેરિક દવાથી દર્દીઓને જરૂર મુજબની અસર થઇ શકતી નથી.
દવા એક્સપાયરી થઈ જતી હોવાથી અમારે સ્ટોરમાં દવા ઓછી રાખવી પડે છે : અરવિંદ ઝા
અમૃત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરના સંચાલક અરવિંદ ઝાએ જણાવ્યું હતું કે, સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં દવાઓ એક્સપાયરી થવા લાગી રહી છે. અત્યાર સુધી સ્મીમેરમાં 1 લાખની અને સિવિલમાં 4 લાખની દવાઓ એક્સપાયરી થઇ છે. જેના કારણે અમે વધુ પડતી દવાઓ રાખી શકતા નથી.
અમે અમૃત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરના સંચાલકો સાથે ચર્ચા કરીશું: ડો. શૈલેષ પટેલ
આ બાબત સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, ઘણી બધી વખત જ્યારે સિવિલ હોસ્પિટલમાં દવાઓ નથી હોતી. ત્યારે તે દવાઓને ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન તરીકે લખી આપી છે અને દર્દીઓના સંબંધીઓ અમૃત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર, છાંયડો મેડિકલ સ્ટોર કે અન્ય પ્રાઇવેટ મેડિકલમાંથી ખરીદી લાવે છે, પરંતુ મારી જાણ પ્રમાણે હાલમાં જે દવાઓની એક્સપાયરી થઇ છે. તેમાં મોટા ભાગની દવાઓને કોવિડ શરૂ થયા પહેલા ખરીદવામાં આવી હશે, પરંતુ કોરોના શરૂ થયા બાદ મોટા ભાગના દર્દીઓને સ્મીમેરમાં લઇ જવાયા હતા. જેના કારણે પણ મોટા ભાગની દવાઓ એક્સપાયરી થઇ શકે છે.
કોવિડ-19 દરમિયાન પણ જેનેરિક સ્ટોરમાંથી દવા લેવામાં આવી છે: ડો.વંદના દેસાઈ
સ્મીમેર હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. વંદના દેસાઇએ જણાવ્યું હતું કે, અમે પણ અમૃત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરની દવાઓ લઇ રહ્યા છે. સ્મીમેરના વહીવટી તંત્ર દ્વારા કોવિડ-19ના દરમિયાન પણ સ્ટોરના સંચાલક પાસેથી જેનેરિક દવાઓનો સ્ટોક મોટા પ્રમાણમાં ખરીદવામાં આવે છે. આઇએમએની ગાઇડલાઇન મુજબ ડોક્ટરને ફરજિયાત જેનેરિક દવાઓ લખવા માટે જણાવવામાં આવ્યું નથી. તબીબો પોતાના કામ મુજબ જેનેરિક દવાઓ લખી રહ્યા છે.